અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં અરજણસુખ અને તોરી ગામ વચ્ચે 12 કલાક સુધી આતંક મચાવીને પાંચ લોકોને ઈજાગ્રસ્ત કરનાર આક્રમક સિંહણનું 4 ઓક્ટોબરની રાત્રે સારવાર દરમિયાન મોત થયું છે. વનવિભાગે મેગા ઓપરેશન હાથ ધરીને સિંહણને ટ્રાન્ક્વિલાઇઝ કરીને પાંજરે પૂરી હતી અને ત્યાર બાદ તેને ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં તેણે દમ તોડ્યો હતો.
વનવિભાગના જણાવ્યા અનુસાર, સિંહણને હડકવા હતો કે અન્ય કોઈ ગંભીર બીમારી, તે પોસ્ટમોર્ટમ અને પેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
ઉલ્લેખનીય છે કે, 1 ઓક્ટોબરની રાત્રે અરજણસુખ ગામના પાટિયા નજીક પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહેલા તોરી ગામના મેહુલ વાજા અને ભગીરથ બસિયા પર અચાનક સિંહણે હુમલો કર્યો હતો. ત્યાર બાદ સિંહણે અલગ-અલગ ચાર સ્થળોએ આક્રમક થઈને હુમલા કર્યા હતા. આ બનાવમાં અરજણસુખના અતુલ પોકળ, તોરી ગામના છોટુ રાવત, ભગીરથ બસિયા, મેહુલ વાજા તેમજ ફરજ પરના વનકર્મી અનુરુદ્ધસિંહ વાળા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઘટના બાદ વનવિભાગના ACF સહિતના ઉચ્ચ અધિકારીઓ અને છ ટીમોએ રાતભર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આખરે 2 ઓક્ટોબરની બપોરે આક્રમક બની ગયેલી સિંહણને સફળતાપૂર્વક ટ્રાન્ક્વિલાઇઝ કરીને પાંજરે પૂરી દેવામાં આવી હતી.
પાંજરે પૂરેલી હુમલાખોર સિંહણને તાત્કાલિક ધોરણે સારવાર અને ઓબ્ઝર્વેશન માટે ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. જોકે, ગત રાત્રે સારવાર ચાલુ હતી તે દરમિયાન સિંહણનું મોત નીપજ્યું હતું.
સામાન્ય રીતે ગીરની સિંહણ આટલી હદે આક્રમક બનીને સતત માનવ હુમલા કરતી નથી, તેથી સિંહણ પર હડકવાની અસર હતી કે અન્ય કોઈ ગંભીર બીમારી, તે અંગેનું સાચું કારણ પોસ્ટમોર્ટમ અને પેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. સિંહણના અચાનક મોતથી વનવિભાગમાં અરેરાટી સાથે ભારે દોડધામ મચી ગઈ છે.