અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામ નજીક એક સિંહણે આતંક મચાવ્યો છે. ગત રાત્રે પાંચમ પતાવીને બાઇક પર પરત ફરી રહેલા બે યુવકો પર સિંહણે અચાનક હુમલો કર્યો હતો. ત્યારબાદ વહેલી સવારે સીમ વિસ્તારમાં વધુ બે વ્યક્તિ પર હુમલો થતાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બનાવની વિગતો મુજબ, 1 ઓક્ટોબરની રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે તોરી ગામના મેહુલભાઈ મનુભાઈ વાજા અને ભગીરથભાઈ ગભરુભાઈ બસિયા અરજણસુખ ગામે પાંચમમાંથી પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. અરજણસુખ ગામથી અરજણસુખ પાટિયા વચ્ચેના રસ્તા પર અચાનક સિંહણે તેમના પર હુમલો કરતાં તેમની બાઇક પડી ગઈ હતી. આ હુમલામાં એક યુવકને હાથના ભાગે અને બીજાને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઈજાગ્રસ્તોને તાતાકાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મોડી રાત્રની ઘટના બાદ અરજણસુખની સીમમાં સિંહણે વધુ બે લોકો પર હુમલો કરતાં સ્થાનિકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. સિંહણ લોકોને જોઈને હુમલો કરવા દોડી રહી હોવાથી વન વિભાગના ACF રાજન જાદવ સહિતનો કાફલો રાતથી જ સ્કેનિંગ અને તપાસની કામગીરી કરી રહ્યો છે. સિંહણના સગડ મળી આવ્યા હોવાથી તેને પકડવા માટે ડોક્ટરોની ટીમ સાથે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
બીજા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા અતુલભાઈએ જણાવ્યું કે, "હું મારી વાડીએ કામ કરતો હતો, ત્યાં સિંહણ અચાનક સીધી કપાસમાંથી દોડીને આવીને મારા ઉપર હુમલો કર્યો. જ્યારે હું 108માં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, હું આ ચોથો વ્યક્તિ છું. મારી પહેલાં પણ ત્રણ લોકો પર આ સિંહણે જ હુમલો કર્યો છે. એક વ્યક્તિ મારાથી બીજી આગળની સીમનો છે. અમારા ચારેય પર હુમલો કરનારી એક જ સિંહણ છે અને મેં તેને જોઈ પણ છે."
અરજણસુખ ગામના સરપંચ કાળુભાઈએ ભારે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, છેલ્લા 3-4 વર્ષથી આ વિસ્તારમાં વન્યપ્રાણીઓનો આતંક ખૂબ વધી ગયો છે. રાત્રિના સમયથી લઈને સવારના 10 વાગ્યા સુધીમાં તોરી ગામના બે દરબાર તથા અરજણસુખ વિસ્તારમાં હરિભાઈ શંભુભાઈ વસોયાની વાડીએ અને અતુલભાઈ પોકલની વાડીએ મળીને કુલ ચાર ખેડૂતો પર હુમલો થયો છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
હાલ ખેતીની મોસમનો મુખ્ય સમય ચાલી રહ્યો છે, પરંતુ સિંહ-દીપડાના સતત ત્રાસ અને હુમલાના ડરથી ખેતરોમાં કામ કરતા મજૂરો કામ છોડીને ગામ તરફ ભાગી રહ્યા છે. સરપંચ અને ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ ઉગ્ર માગણી કરી છે કે, આ હિંસક અને માનવભક્ષી બની રહેલી સિંહણને તાત્કાલિક ધોરણે પાંજરે પૂરી રેસ્ક્યૂ કરવામાં આવે.
ભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં વન વિભાગના ACF રાજન જાદવે કહ્યું કે, આ સમાચાર રાતે મળ્યા એટલે તાત્કાલિક અમારી ટીમે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સિંહણના સગડ પણ છે. આખી રાત ટીમ દ્વારા તપાસ કરવામાં આવી. હાલ સિંહણને પકડવાની કામગીરી ચાલી રહી છે.