અમરેલીના વડીયા તાલુકાના અરજણસુખ ગામમાં સિંહણનો આતંક યથાવત છે. સિંહણના હુમલાની ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં અત્યાર સુધીમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સિંહણ આક્રમક બનતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છે.
વન વિભાગના ગાર્ડ અનિરુદ્ધ વાળા પર સિંહણને રેસ્ક્યૂ કરવાની કામગીરી દરમિયાન હુમલો થયો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગાર્ડને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સતત હુમલાની ઘટનાઓ સામે આવતાં વન વિભાગે સિંહણને પકડવાની કામગીરી વધુ તેજ કરી છે.
સિંહણ આક્રમક બનતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ મામલે પ્રધાન કૌશિક વેકરિયાએ સિંહણને તાત્કાલિક પકડવાના આદેશ આપ્યા છે. ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા સિંહણના રેસ્ક્યૂ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંહણને સુરક્ષિત રીતે પકડીને સ્થળાંતર કરવાની દિશામાં પણ કાર્યવાહી ચાલી રહી છે.
સિંહણની હિલચાલને ધ્યાનમાં રાખીને વન વિભાગે ગ્રામજનો અને ખેડૂતોને સીમ વિસ્તારમાં ન જવા અપીલ કરી છે. ખાસ કરીને એકલા ખેતરમાં ન જવા અને સિંહણ દેખાય તો તેની નજીક જવાનો પ્રયાસ ન કરવા સૂચના આપવામાં આવી છે. વન વિભાગની ટીમ સમગ્ર વિસ્તારમાં નજર રાખી રહી છે અને સિંહણને પકડવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.