સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીમાં સિંહણનો આતંક: 12 કલાકમાં 4 સ્થળોએ 5 લોકો પર હુમલો, પાંજરે પૂરાઈ

અમરેલીમાં સિંહણનો આતંક: 12 કલાકમાં 4 સ્થળોએ 5 લોકો પર હુમલો, પાંજરે પૂરાઈ

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં એક સિંહણે 12 કલાકમાં ચાર અલગ-અલગ સ્થળોએ પાંચ લોકો પર હુમલો કર્યો હતો. જેમાં એક ફોરેસ્ટ ગાર્ડનો પણ સમાવેશ થાય છે. વનવિભાગની છ ટીમોએ સઘન રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યા બાદ સિંહણને ટ્રાન્ક્વિલાઇઝ કરીને પાંજરે પૂરી લેવામાં આવી હતી. જેથી સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો છે.

ઘટનાની શરૂઆત પહેલી ઑક્ટોબરની રાત્રે થઈ હતી. તોરી ગામના મેહુલ વાજા અને ભગીરથ બસિયા અરજણસુખ ગામેથી પ્રસંગ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. તે વખતે અરજણસુખ ગામના પાટિયા પાસે રસ્તામાં સિંહણે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. હુમલાના કારણે બંને યુવકો નીચે પટકાયા હતા. જેમાં એકને હાથના ભાગે અને બીજાને પગના ભાગે ઈજા પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને 108ની મદદથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મોડી રાત્રે થયેલી આ ઘટના બાદ પણ સિંહણનો આતંક અટક્યો નહોતો. તેણે સીમ વિસ્તારમાં અન્ય લોકો પર પણ હુમલા કર્યા હતા. સિંહણ માણસોને જોઈને સીધી હુમલો કરવા દોડતી હોવાથી આખા વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તપાસ દરમિયાન વનવિભાગના એક ફોરેસ્ટ ગાર્ડ પર પણ સિંહણે હુમલો કરીને તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા.

ઈજાગ્રસ્તોમાં અતુલ પોકળ (અરજણસુખ ગામ), છોટુ રાવત (તોરી ગામ), ભગીરથ (અરજણસુખ ગામ), મેહુલ (અરજણસુખ ગામ) અને અનુરુધસિહ વાળા (વનકર્મી)નો સમાવેશ થાય છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગના ACF રાજન જાદવ સહિતનો કાફલો રાત્રે એક વાગ્યાની આસપાસ સ્થળ પર પહોંચ્યો હતો અને સ્કેનિંગ શરૂ કર્યું હતું. વનવિભાગની છ ટીમો અને તબીબોના કાફલાએ સિંહણના સગડ મેળવીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આખરે બીજી ઑક્ટોબરે બપોરે આસપાસ સિંહણને સફળતાપૂર્વક ટ્રાન્ક્વિલાઇઝર કરીને પાંજરે પૂરવામાં આવી હતી.

સામાન્ય રીતે સિંહણ આ રીતે આક્રમક થઈને સતત હુમલા કરતી નથી. તેથી તેણે આ પ્રકારે હુમલા કેમ કર્યા તે જાણવા માટે વનવિભાગ દ્વારા તેનું વિગતવાર હેલ્થ ચેકઅપ અને વર્તણૂક ચકાસણી હાથ ધરવામાં આવશે.