સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલી: વનકર્મી પર હુમલો કરનાર સિંહ 44 કલાક બાદ પાંજરે પૂરાયો, બગસરામાં 5 સિંહના દર્શન

અમરેલી: વનકર્મી પર હુમલો કરનાર સિંહ 44 કલાક બાદ પાંજરે પૂરાયો, બગસરામાં 5 સિંહના દર્શન

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં 26 સપ્ટેમ્બરે બે વનકર્મી પર હુમલો કરનાર સિંહને આખરે પાંજરે પૂરવામાં આવ્યો છે. ગીર ફોરેસ્ટની 10 ટીમોએ 44 કલાક સુધી ચલાવેલા શોધ અભિયાન બાદ કાતર ગામ નજીકથી આ બીમાર સિંહને પકડી પાડ્યો હતો. હાલ સિંહને એનિમલ કેર સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાની શરૂઆત 26 સપ્ટેમ્બરે થઈ, જ્યારે રાજુલાના બારપટોળી ગામે બીમાર સિંહના રેસ્ક્યૂ દરમિયાન સિંહે બે વનકર્મી પર હુમલો કર્યો હતો. હુમલા બાદ સિંહ કાતર ગામ તરફ જતો રહ્યો. વનવિભાગે 27 સપ્ટેમ્બરથી સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરીને મેગા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. ગીર ફોરેસ્ટની સ્પેશિયલ 10 ટીમોએ સતત 44 કલાક શોધખોળ અને ટ્રેકિંગ કર્યા બાદ હુમલાખોર સિંહને સલામત રીતે પાંજરે પૂરવામાં સફળતા મેળવી. હુમલાખોર સિંહ પાંજરે પુરાતાં વનતંત્ર અને સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

બીજી તરફ, બગસરાના નવી હળિયાદ ગામે રાત્રિના સમયે 5 સિંહો ઘૂસી આવ્યા હતા. શિકારની શોધમાં આ સિંહો ગામમાં આવી પહોંચ્યા હતા અને ગામની શેરીઓમાં એક સાથે 5 સિંહોએ લટાર મારી હતી. સિંહો ગામમાં ઘૂસતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામમાં ઘૂસેલા સિંહોના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.