અમરેલી જિલ્લામાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. સણોસરા અને મોટા ભંડારીયા ગામ વચ્ચે આવેલા કપાસના ખેતરમાં કામ કરી રહેલા ખેતમજૂર પરિવારના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મોત થયું છે. મૃતક બાળકનું નામ સાહિલ કલાસવાનો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના સવારે પોણા નવ વાગે આસપાસ બની હતી. શેત્રુંજી ડિવિઝનના એસીેફ રાજન જાદવે જણાવ્યું કે, તે સમયે મજૂરો કપાસ વીણવાનું કામ કરી રહ્યા હતા અને તેમની સાથે બાળકો પણ હતા. તે દરમિયાન દીપડાએ એક બાળક પર હુમલો કર્યો અને તેને ખેંચી ગયો, જેમાં બાળકનું મોત થયું.
ઘટનાની જાણ થતાં વનવિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ એકઠા થયા હતા. વનવિભાગે દીપડાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને સર્ચ અને સ્કેનિંગની કામગીરી શરૂ કરી છે.
એસીેફ રાજન જાદવે વધુમાં જણાવ્યું કે, વન વિભાગની તમામ કાર્યવાહી ચાલુ છે અને દીપડાને વહેલામાં વહેલી તકે પકડી લેવા માટે તમામ પ્રયત્નો સ્થળ પર રહીને કરવામાં આવી રહ્યા છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, દિવાળી નિમિત્તે અમરેલી જિલ્લામાં બહારથી પણ ઘણા લોકો આવે છે, તેઓ પોતાના ખેતર-વાડીમાં જતી વખતે વિશેષ ધ્યાન રાખે અને વન વિભાગની હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરે. વન વિભાગનો સ્ટાફ આ બાબતે તૈયાર છે અને આવા બનાવો ન બને તે માટે સાવચેતી રાખવી જોઈએ તેવી તેમણે નમ્ર અપીલ કરી છે.