સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીના સણોસરામાં દીપડાએ 8 વર્ષના બાળકને ઉઠાવ્યું, મોત; એક અઠવાડિયામાં ત્રીજો હુમલો

અમરેલીના સણોસરામાં દીપડાએ 8 વર્ષના બાળકને ઉઠાવ્યું, મોત; એક અઠવાડિયામાં ત્રીજો હુમલો

અમરેલી જિલ્લામાં દીપડાનો આતંક ચાલુ છે. સણોસરા ગામની સીમમાં કપાસના ખેતરમાં પરિવાર સાથે હાજર 8 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો. આ હુમલામાં બાળકનું મોત નીપજ્યું છે. ગામમાં શોક છવાયો છે. એક અઠવાડિયામાં દીપડાના હુમલાની આ ત્રીજી ઘટના છે.

મળતી માહિતી મુજબ, અમરેલી તાલુકાના સણોસરા ગામે સીમમાં 8 વર્ષનો બાળક પરિવાર સાથે ખેતરમાં હતો. તે દરમિયાન અચાનક દીપડો ત્યાં આવ્યો અને પરિવારની નજર સામે જ બાળકને ઉઠાવીને નજીકના વિસ્તારમાં લઈ ગયો. પરિવારજનોએ બાળકને બચાવવા પ્રયાસો કર્યા, પરંતુ દીપડાના હુમલામાં બાળકનું મોત નીપજ્યું.

ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. દીપડાને પકડવા માટે વન વિભાગે આસપાસના વિસ્તારમાં 7 પાંજરા ગોઠવ્યા છે.

આ ઘટનાથી આસપાસના ખેતરોમાં કામ કરતા ખેતમજૂરો અને ખેડૂતોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને ગ્રામજનો ચિંતિત છે. દીપડો પાંજરે પુરાય નહીં ત્યાં સુધી લોકોને સાવચેતી રાખવા અને બાળકોને એકલા ન મૂકવા વન વિભાગે અપીલ કરી છે.