સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીમાં સોશિયલ મીડિયા વિવાદમાં યુવક પર છરી હુમલો, સગીર સહિત બે ઝડપાયા

અમરેલીમાં સોશિયલ મીડિયા વિવાદમાં યુવક પર છરી હુમલો, સગીર સહિત બે ઝડપાયા

અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં સોશિયલ મીડિયા પર એક સામાન્ય મિત્ર (કોમન ફ્રેન્ડ)ને લઈને થયેલી બોલાચાલી બાદ એક યુવક પર છરીથી હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે એક સગીર સહિત બે શખ્સોની ધરપકડ કરી છે અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, બે દિવસ પહેલા સાવરકુંડલામાં એક યુવતી સાથેની મિત્રતાને લઈને સગીર અને યુવકો વચ્ચે માથાકુટ થઈ હતી. આ મનદુઃખ દૂર કરવા માટે આરોપીઓએ કુલદીપ સાંઢસુર નામના યુવકને સાવરકુંડલા બોલાવ્યો હતો. ત્યાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં સગીરે કુલદીપ પર છરીથી હુમલો કર્યો હતો.

હુમલામાં કુલદીપને પીઠના ભાગે છથી સાત ઘા વાગ્યા હતા. તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલા દરમિયાન કુલદીપ સાથે રહેલા તેના મિત્ર પૃથ્વીરાજને પણ ઈજા પહોંચી હતી.

આ અંગે ભોગ બનનારના મિત્ર પૃથ્વીરાજ ધાધલે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઉદયભાઈ રાદડિયા અને એક સગીર સહિત બે વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

સાવરકુંડલાના ડીવાયએસપીએ જણાવ્યું કે, આરોપીઓએ ફરિયાદી અને સાક્ષીને ઈન્સ્ટાગ્રામ પર અપશબ્દો પણ કહ્યા હતા. આ મનદુઃખનું નિરાકરણ લાવવા માટે યોજાયેલી બેઠકમાં ઉગ્ર બોલાચાલી થતાં આ હુમલો થયો હતો. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.