સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીમાં બીજા દિવસે વરસાદ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક ઇંચથી વધુ મેઘમહેર

અમરેલીમાં બીજા દિવસે વરસાદ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં એક ઇંચથી વધુ મેઘમહેર

કચ્છ-સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ વચ્ચે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ ફરી સક્રિય થયો છે. હવામાન વિભાગે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવારે (10 સપ્ટેમ્બર) અમરેલી અને દેવભૂમિ દ્વારકા સહિતના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.

અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદ

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાં સાવરકુંડલા, ધારી અને ગીર પંથકના તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સાવરકુંડલાના મહુવા રોડ પંથકના વીજપડી અને ખડસલી ગામો સહિત આસપાસના ગામડાંમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વીજપડી અને ખડસલીમાં સતત બીજા દિવસે વરસાદ થયો છે. વરસાદની અછત વચ્ચે મેઘરાજા ફરી મહેરબાન થતાં ખેડૂતોમાં આશા ઉજ્જવળ બની છે.

દેવભૂમિ દ્વારકામાં 80% ઘટ, ખંભાળિયામાં મેઘમહેર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે રાહતના સમાચાર છે. ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે. ખંભાળિયા-જામનગર માર્ગ પર આવેલા વાડીનાર, ભરાણા, કજૂરડા, નાના માંઢા, મોટા માંઢા, આંબલા અને આરાધના ધામ વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુવારે બપોરે આશરે સવા વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદ આશરે એક કલાક સુધી ચાલ્યો હતો અને અંદાજે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સારો વરસાદ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં, જેથી આ વિસ્તારના લોકોએ આનંદ સાથે રાહતની લાગણી અનુભવી છે.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ 80 ટકાથી વધુ વરસાદની ઘટ છે. ખંભાળિયાના અનેક ગામોમાં આજે વરસેલા ધોધમાર વરસાદથી આગામી દિવસોમાં વધુ વરસાદની આશા બંધાઈ છે.