અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં મોડી રાત્રે બે સિંહ ઘૂસી આવ્યા હતા. મહાદેવ પરા અને આશ્રમપરા વિસ્તારમાં આ સિંહો મુક્તપણે લટાર મારતા જોવા મળ્યા હતા. શહેરમાં ઘૂસેલા આ સિંહોએ અલગ અલગ વિસ્તારોમાં પાંચ પશુઓનો શિકાર કર્યો છે.
આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાતાં લોકોમાં ચિંતા વધી છે.
રહેણાંક વિસ્તારમાં સિંહોની સતત અવરજવર અને પશુઓના શિકારને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. ખોરાક અને શિકારની શોધમાં સિંહો વારંવાર માનવ વસાહતો તરફ આવી રહ્યા હોવાથી સુરક્ષાનો સવાલ ઊભો થયો છે.
સ્થાનિક લોકોએ વનવિભાગને રાત્રિના સમયે શહેરી વિસ્તારોમાં કડક પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓ અટકે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.