અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના બી.પી.એલ.ના ઢોરો વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી શનિવારે (10 ઓક્ટોબર) સવારે 6થી 8 વર્ષના એક દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. ખેડૂત મગનભાઈ નાનજીભાઈ પરમારે સવારે અંદાજે 9 વાગ્યે પોતાના ખેતરમાં દીપડાનો મૃતદેહ પડ્યો હોવાની જાણ વન વિભાગને કરી હતી.
જાણ મળતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં આરએફઓ, ફોરેસ્ટર, અન્ય વનકર્મીઓ તથા વેટરનરી ડૉક્ટર સામેલ હતા. ટીમે ઘટનાસ્થળની તપાસ કરી હતી અને આસપાસના સમગ્ર વિસ્તારનું સ્કેનિંગ પણ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન સ્થળ પર દીપડાના પગલાના નિશાન પણ જોવા મળ્યા હતા.
ત્યારબાદ દીપડાના મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે ખાંભા ફોરેસ્ટ કોલોની ખાતે આવેલા પી.એમ. રૂમમાં ખસેડવામાં આવ્યો હતો. મદદનીશ વન સંરક્ષકની હાજરીમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં દીપડાનું મૃત્યુ મલ્ટી ઓર્ગન ફેલિયર થવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. મૃત દીપડાની અંદાજિત ઉંમર 6થી 8 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ઘટના અંગે વન વિભાગે જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.