સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીના કડિયાળી ગામે પાણી ભરાવાની સમસ્યા બગડતાં રેલવે ટ્રેક પર ઉતર્યા ગ્રામજનો, ગુડ્સ ટ્રેન રોકાઈ

અમરેલીના કડિયાળી ગામે પાણી ભરાવાની સમસ્યા બગડતાં રેલવે ટ્રેક પર ઉતર્યા ગ્રામજનો, ગુડ્સ ટ્રેન રોકાઈ

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કડિયાળી ગામમાં ચોમાસાનું પાણી ગામ અને ખેતરોમાં ભરાવાની સમસ્યા વધતાં ગ્રામજનોએ રેલવે ટ્રેક પર ઉતરીને વિરોધ કર્યો હતો. આંદોલનકારીઓએ થોડા સમય માટે ગુડ્સ ટ્રેન રોકી હતી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, રેલવે વિભાગે સફાઈ કામગીરી માટે રેલવેનો પાળો હટાવ્યો હતો. તેના કારણે વરસાદી પાણીના નિકાલનો રસ્તો બંધ થઈ ગયો અને પાણી ગામમાં તથા આસપાસના ખેતરોમાં ભરાઈ ગયું. આથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનોએ આ સમસ્યા અંગે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં તેમણે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો હોવાનું જણાવ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાજુ સોલંકીની આગેવાની હેઠળ ગ્રામજનોએ રેલવે ટ્રેક પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસ અને રેલવે વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. અધિકારીઓએ ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમની સમસ્યા સાંભળી હતી. રેલવે વિભાગના અધિકારીઓએ ઉચ્ચ કક્ષાએ અહેવાલ રજૂ કરીને ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.

તંત્ર તરફથી ખાતરી મળ્યા બાદ ગ્રામજનોએ હાલ પૂરતું આંદોલન સમેટી લીધું હતું. જોકે, આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો ફરીથી ઉગ્ર રેલ રોકો આંદોલન કરવામાં આવશે. હવે રેલવે વિભાગ ક્યારે અને કેવાં પગલાં લે છે તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે.