ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સોમવારે (14 સપ્ટેમ્બર) હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ, વડીયા, બાબરા, લાઠી અને રાજુલા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અનરાધાર વરસાદના કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા.
અમરેલીના ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ થયો છે. નાના ભંડારીયા સહિતના ગામોમાં શેરીઓમાં પાણી વહેતા થયા હતા. સતત ત્રણ-ચાર દિવસથી વરસી રહેલા વરસાદને પગલે મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકને જીવનદાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
બાબરા પંથકના ગામડાંઓમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. કોટડાપીઠા, મોટાદેવળીયા, ઉટવડ, ચરખા, નિલવડા, સુકવડા અને વાંકીયા સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો છે. શહેરમાં વરસાદ થતાં બજારોમાં પાણી ભરાયા હતા. મેઘમહેરથી ખેડૂતોએ રાહત અનુભવી છે.
જાફરાબાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં હળવાથી ભારે વરસાદ થતાં રસ્તા પર પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વડીયા પંથકમાં પણ સારો વરસાદ થયો છે, જ્યારે લાઠીમાં રાત્રે ધોધમાર વરસાદ થયો હતો. લાઠી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના કોસ્ટલ બેલ્ટના રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વડ, ભચાદર, ઉંચૈયા અને ભેરાઇ સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી નદીની જેમ વહેતું થયું હતું.