અમરેલી જિલ્લામાં ફરી એક વાર ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે જિલ્લાના સાવરકુંડલા, ધારી, રાજુલા અને બગસરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અમરેલી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સાવરકુંડલા તાલુકાના શેલાણા, ભમોદરા, ઠવી, વંડા, સેંજળ, મેવાસા, ગોરકડા, થોરડી, કેરાળા અને જુના સાવર ગામોમાં પણ જોરદાર વરસાદ પડ્યો હતો.
બગસરા શહેર અને તેના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બગસરા ઉપરાંત મોટા મુંજયાસર, ઝાંઝરીયા, કાગદડી, સાપર અને સુડાવડ જેવા ગામોમાં વરસાદથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
ધારી તાલુકાના ગોવિંદપુર, કાંકસા અને સુખપુર તેમજ દેવભૂમિ દેવળીયા, નાના ગોરખવાળા અને સોનારીયા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. ખાંભા તાલુકાના ડેડાણ, રાણીંગપરા, ત્રાકુડા, ભૂંડણી અને નીંગળા ગામોમાં પણ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા.
રાજુલાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વિકટર, માંડળ અને ડુંગર જેવા ગામોમાં થયેલા વરસાદને પગલે મગફળી, કપાસ અને એરંડા પાકને ફાયદો થવાની ખેડૂતો આશા રાખી રહ્યા છે.
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. પાલનપુરના અલગ-અલગ વિસ્તારો ભારે વરસાદને કારણે જળબંબાકાર થઈ ગયા હતા. આઈટીઆઈથી વડગામ જતા રસ્તા પર અડધા ટુ-વ્હીલર ડૂબી જાય તેટલું પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.