અમરેલીના લાઠી તાલુકાના અડતાલા ગામેથી 3 વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપી સોહન વસુનિયાને લીલીયાના જાતૃડા ગામેથી પોલીસે ઝડપી પાડ્યો છે. નવા વર્ષના દિવસે બનેલી આ ઘટનામાં પોલીસે LCB, SOG સહિતની ટીમો બનાવી, 100 CCTV ફૂટેજ તપાસી ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાળકીને સુરક્ષિત રીતે પરિવારને પરત સોંપી છે. પોલીસે અપહરણના હેતુ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીના લાઠી તાલુકાના અડતાલા ગામે મજૂરી કામ કરતા પરપ્રાંતિય ખેતમજૂર પરિવારની 3 વર્ષ અને 2 માસની બાળકીનું અજાણ્યા શખસ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. નવા વર્ષના દિવસે બનેલી આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ મામલે લાઠી પોલીસ, LCB, SOG સહિતની પોલીસની ટીમે યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી લીલીયાના જાતૃડા ગામેથી અપહરણ કરનાર આરોપીને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો.
લાઠીના અડતાલા ગામે બાળકીના અપહરણ મામલે પોલીસે વિવિધ ટીમો બનાવીને ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના 25 કિલોમીટરના ત્રિજ્યાના વિસ્તારમાં આવેલા અંદાજે 100 જેટલાં સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. આ દરમિયાન પોલીસને આરોપીનું પગેરું જણાતા લીલિયા તાલુકાના જાતૃડા ગામેથી અપહરણકાર આરોપીને માસૂમ બાળકી સાથે ઝડપી લેવામાં મોટી સફળતા મળી હતી.
ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ સોહન અમૃરૂ વસુનિયા હોવાનું જણાવ્યું હતું. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે માસૂમ બાળકીને સહીસલામત પરિવારને સોંપી હતી.
લાઠી પોલીસે ઝડપાયેલા આરોપી સોહન અમૃરૂ વસુનિયા વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. નવા વર્ષના દિવસે જ આ પ્રકારે માસૂમ બાળકીનું અપહરણ શા માટે કરવામાં આવ્યું હતું? આરોપીનો ઈરાદો શું હતો? તેમજ આ ગુનામાં અન્ય કોઈ શખસ સંડોવાયેલા છે કે કેમ? તે સહિતના વિવિધ પાસાઓ પર હાલ લાઠી પોલીસે તપાસ શરૂ કરી છે.