સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીના હાડિડા ગામે પિતાએ પુત્રીની હત્યા કરી આપઘાત કર્યો, ગામમાં શોક

અમરેલીના હાડિડા ગામે પિતાએ પુત્રીની હત્યા કરી આપઘાત કર્યો, ગામમાં શોક

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડિડા ગામમાં એક દુઃખદ ઘટના બની છે, જેમાં એક પિતાએ પોતાની પાંચ વર્ષની પુત્રીની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો છે. બંનેના મૃતદેહ મળી આવતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાથમિક માહિતી મુજબ, હાડિડા ગામના રહેવાસી કિશોરભાઈ ધાણકે પોતાની પુત્રી હિમાંશીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી અને ત્યારબાદ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટના તેમના રહેણાંક મકાનમાં બની હતી.

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. પિતા અને પુત્રીના મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતના ચોક્કસ કારણો અંગે વધુ સ્પષ્ટતા થશે.

પ્રાથમિક તપાસમાં પરિવારની આર્થિક સંકડામણને આ ઘટનાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે. ઘટના સમયે મૃતકની પત્ની ઋષિ પાંચમની વિધિ માટે બહારગામ ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે.

આ ઘટનાથી નાનકડા હાડિડા ગામમાં ભારે અરેરાટી અને શોક વ્યાપી ગયો છે. પોલીસે ઘટનાની તપાસ ચાલુ રાખી છે.