અમરેલી પોલીસે SD Pay અને Apna Pay એપ દ્વારા રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને 635 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આશરે બે મહિના પહેલા કેટલાક અરજદારો અરજી લઈને આવ્યા હતા. તેમણે જણાવ્યું કે SD Pay એપમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એપમાં દરરોજ 0.15 ટકા વળતર આપવાની સ્કીમ હતી, પરંતુ પૈસા ઉપાડવાનો પ્રયાસ કરતાં વિથડ્રોઅલ થઈ શકતું ન હતું. પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે માર્ચ 2026થી મોટી સંખ્યામાં રોકાણકારોના પેમેન્ટ અને વિથડ્રોઅલ અટકી ગયા હતા.
આરોપીઓએ આ એપને Google Pay અને PhonePeના વિકલ્પ તરીકે રજૂ કરી હતી. એપમાં મોબાઈલ રિચાર્જ, લાઇટ બિલ પેમેન્ટ અને IMPS મારફતે નાણાં ઉપાડવાની સુવિધા હોવાનો દાવો હતો. આ સુવિધાઓથી લોકોમાં વિશ્વાસ જાગ્યો અને પછી તેઓ રોકાણ કરવા પ્રેરાયા. રોકાણની રકમ જેટલી મોટી, તેટલું વધુ વળતર આપવાની લાલચ આપવામાં આવતી હતી.
પોલીસે પ્લે સ્ટોર પર એપના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ મળી આવ્યા હતા, જ્યારે યુઝર્સની સંખ્યા પણ લાખોમાં હતી. તપાસમાં જાણવા મળ્યું કે આ કૌભાંડ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું છે. કૌભાંડનો આંકડો 635 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે, પરંતુ તપાસમાં તે વધુ મોટો થઈ શકે છે.
અમરેલી પોલીસે માસ્ટરમાઈન્ડ ધવલ પટેલ સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી ધવલ પટેલની મહેસાણા જિલ્લાના માકણજ ગામમાં ઓફિસ છે, જ્યાંથી આ કૌભાંડ શરૂ થયું હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ગાંધીનગરના કુડાસણમાં પણ તેની ઓફિસ હતી. અમરેલી એસપીએ SIT બનાવી તપાસ શરૂ કરી છે અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નાણાકીય વ્યવહારોની તપાસ ચાલી રહી છે.