સત્ય. સાહસ. સંકલ્પ.

અમરેલીમાં કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી પર યુવકને કીટલી મારવાનો આરોપ, CCTVમાં કેદ

અમરેલીમાં કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી પર યુવકને કીટલી મારવાનો આરોપ, CCTVમાં કેદ

અમરેલી શહેરમાં મોડી રાત્રે કોંગ્રેસ શહેર પ્રમુખ સંદીપ ધાનાણીએ એક યુવક પર ચાની કીટલી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે અને તેને 9 ટાંકા આવ્યા છે. પોલીસે આ મામલે સંદીપ ધાનાણી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સાવરકુંડલા બાયપાસ રોડ પર RTO ઓફિસ પાસે આવેલી રાજચામુંડા દુકાન નજીક બની હતી. ધર્મકુમાર જાગૃતભાઈ જોષીપુરા નામના યુવક મોડી રાત્રે માવો-મસાલો લેવા ગયા હતા. તે સમયે સંદીપ ધાનાણી પણ ત્યાં હાજર હતા. કોઈ કારણ વગર ધર્મકુમારને ત્યાંથી જતા રહેવાનું કહીને સંદીપ ધાનાણીએ ચાના કાઉન્ટર પરથી કીટલી લીધી અને તેના પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં 15 સેકન્ડમાં 5 ઘા મારતો તે દેખાય છે.

હુમલા બાદ ધાનાણીએ ધર્મકુમારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જાણવા મળે છે. ઘટના બાદ યુવકને અમરેલી ખસેડવામાં આવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાનું અને હેમરેજ જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.

આરોપી સંદીપ ધાનાણી અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ છે અને ગુજરાતના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીના કુટુંબી છે. યુવકની પત્ની લતા જોષીપુરાએ જણાવ્યું હતું કે તેમના પતિનું સીટી સ્કેન કરાવવાનું કહેવામાં આવ્યું છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે સંદીપ ધાનાણી પરેશ ધાનાણીના સગા ભાઈ નથી, પરંતુ કાકાના દીકરા થાય છે.

કોંગ્રેસના હોદ્દેદાર સામે ગુનો નોંધાતા અમરેલી શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ ઘટના અંગે ચારે તરફ ચર્ચા ચાલી રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.