સત્ય. સાહસ. સંકલ્પ.

27 વર્ષથી ફરાર અમરેલીનો આરોપી વોટ્સઅપ પ્રોફાઇલથી નાગપુરમાં ઝડપાયો

27 વર્ષથી ફરાર અમરેલીનો આરોપી વોટ્સઅપ પ્રોફાઇલથી નાગપુરમાં ઝડપાયો

અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે 1999ના એક ગુનામાં 27 વર્ષથી ફરાર લિસ્ટેડ આરોપી અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશીને મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીને પકડવા માટે પોલીસે કરેલી ટેકનિકલ તપાસ અને મહેનત ફિલ્મી પટકથા જેવી છે.

વર્ષ 1999ની 8મી ડિસેમ્બરે રાજુલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો. તે સમયે એક ટ્રક ડ્રાઇવરે કોવાયા કંપનીમાંથી સિમેન્ટની ગાડી ભરી હતી અને અન્ય આરોપીઓ સાથે મળીને કુલ 30 ટન (600 બેગ) સિમેન્ટ, જે તે વખતની રૂ.58,500ની કિંમતનો જથ્થો હતો, તેને વેચી દીધો હતો અને ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો. આ ગુનામાં તે વખતે ત્રણ આરોપીઓ ઝડપાઈ ગયા હતા, પરંતુ મુખ્ય ટ્રક ડ્રાઇવર અબ્દુલ સત્તાર મોહમદ હબીબ કુરેશી પોલીસની પકડથી દૂર રહીને લાંબા સમયથી ફરાર હતો.

આરોપી 27 વર્ષથી પકડમાં ન આવતા પોલીસે આ કેસની ફાઇલો નવેસરથી ખોલીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, 1999ના સમયમાં ફરિયાદમાં લખાયેલું સરનામું અને ગામનું નામ અસ્પષ્ટ અથવા બદલાયેલું હતું. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના પ્રતાપગંજ તાલુકાના 'ગાંભી ઘરોરા' નામના આ ગામની કોઈ ચોક્કસ ભાળ મળતી નહોતી.

આરોપીને પકડવા માટે પોલીસે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના તમામ તાલુકાઓની SIR મતદાર યાદીઓ મેળવીને ચેક કરવાનું શરૂ કર્યું. એક જ નામના 150 જેટલા વ્યક્તિઓ સામે આવ્યા બાદ, પિતાના નામ અને ઉંમરના આધારે શંકાસ્પદોની યાદી નાની કરવામાં આવી. ત્યારબાદ પોલીસે ચૂંટણી વિભાગની નવી SIR યાદી અને ટેકનિકલ એનાલિસિસની મદદ લીધી. તપાસ દરમિયાન આરોપીના પરિવાર સાથે જોડાયેલો એક મોબાઇલ નંબર હાથ લાગ્યો. જ્યારે આ નંબરની વોટ્સઅપ પ્રોફાઇલની તપાસ કરવામાં આવી, ત્યારે એક બુલેટ મોટરસાઇકલનો ફોટો જોવા મળ્યો. આ બુલેટના રજિસ્ટ્રેશન નંબર (UP72BN0614)ની વિગતો કઢાવતા તે ફરાર આરોપીના નામે જ હોવાનું કન્ફર્મ થયું.

બુલેટ ગાડીના નંબર અને સોશિયલ મીડિયાની કડી મળ્યા બાદ પોલીસે આરોપીનું લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું. આરોપી સતત પોતાના રાજ્યો અને સ્થળો બદલી રહ્યો હતો, પરંતુ પોલીસની સઘન ટેકનિકલ અને મૂવમેન્ટ એનાલિસિસ ટીમે આખરે મહારાષ્ટ્રના નાગપુર ખાતેથી 27 વર્ષથી ફરાર આ લિસ્ટેડ આરોપીને દબોચી લીધો છે. પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.