મુંબઈમાં થયેલા એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમના જૂના મિત્ર, ગીતકાર અને ફિલ્મકાર ગુલઝાર સાથે એક જ મંચ પર જોવા મળ્યાં. આ કાર્યક્રમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોને ગમી રહ્યા છે.
કાર્યક્રમમાં જ્યારે જયા બચ્ચનને સ્ટેજ પર આવવા માટે બોલાવવામાં આવ્યાં, ત્યારે અમિતાભે તરત જ આગળ વધીને તેમનો હાથ પકડી લીધો. તેમણે પ્રેમથી જયાને સીડી ચઢવામાં મદદ કરી. આ ઘટના એટલા માટે ખાસ બની કે તાજેતરમાં 'કૌન બનેગા કરોડપતિ'ના સેટ પર લપસી જવાથી અમિતાભના ઘૂંટણમાં ઈજા થઈ હતી. પોતે દુખાવામાં હોવા છતાં પત્નીની સંભાળ રાખતા જોઈને ચાહકો તેમના વખાણ કરી રહ્યા છે.
આ જ કાર્યક્રમનો બીજો એક વીડિયો પણ ચર્ચામાં છે. તેમાં જયા બચ્ચન સ્ટેજ પર ગુલઝારનો હાથ પકડીને ઊભા છે. વાતચીત દરમિયાન ગુલઝારે કંઈક મજેદાર કહ્યું, જે સાંભળીને જયા પોતાનું હસવું રોકી ન શક્યાં અને ખળખળાટ હસી પડ્યાં.
સામાન્ય રીતે ફોટોગ્રાફરો સામે ગંભીર દેખાતાં જયા બચ્ચનનો આ ખીલેલો અંદાજ જોઈને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. એક વપરાશકર્તાએ લખ્યું, 'અરે! જયાજી હસે પણ છે!', તો બીજાએ કહ્યું, 'તેમને પહેલીવાર આટલું ખૂલીને હસતાં જોયા.' અન્ય એક ચાહકે લખ્યું, 'જયાજીનું સ્મિત કેટલું ભોળું અને સુંદર છે!'
અમિતાભ અને જયાની ફિલ્મી સફર 1972માં શરૂ થઈ. જયા બચ્ચન (ત્યારે જયા ભાદુરી)એ પહેલી વાર અમિતાભ સાથે 'બંસી બિરજુ'માં કામ કર્યું. એ જ વર્ષે બંને 'એક નઝર'માં સાથે જોવા મળ્યાં. તે સમયે અમિતાભની ફિલ્મો ફ્લોપ થતી હતી, અને એટલે જ ટોચની અભિનેત્રીઓએ પ્રકાશ મહેરાની ફિલ્મ 'ઝંજીર'માં કામ કરવાની ના પાડી દીધી હતી. જયાએ હા પાડી, અને ફિલ્મ સુપરહિટ થઈ. આ ફિલ્મથી અમિતાભની 'એન્ગ્રી યંગ મેન'ની છબી બની. ત્યાર બાદ બંને 'અભિમાન', 'ચુપકે ચુપકે', 'મિલી' અને 'શોલે'માં પણ સાથે જોવા મળ્યાં.
જયાને અમિતાભ સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો. જ્યારે જયા પુણેમાં અભ્યાસ કરતાં હતાં, ત્યારે અમિતાભ પોતાની પહેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' (1969) માટે પુણે આવ્યા હતા. ત્યાં જયા તેમને મળ્યાં. તે સમયે જયાના સહપાઠીઓ અમિતાભને 'લંબુ લંબુ' કહીને મજાક ઉડાવતા. પણ જયાના મનમાં અમિતાભની છબી અકબંધ રહી. પછી બંને ફિલ્મ 'ગુડ્ડી'ના સેટ પર મળ્યાં, જ્યાં હૃષિકેશ મુખર્જીએ બંનેની ઓળખાણ કરાવી. જયા અમિતાભથી ખૂબ પ્રભાવિત થયાં અને હરિવંશરાય બચ્ચનના દીકરા તરીકે તેમને માનભરી નજરથી જોવા લાગ્યાં.
અમિતાભના વ્યક્તિત્વથી જયા એટલાં અંજાઈ ગયાં કે પોતાને તેમના પ્રેમમાં પડતાં રોકી ન શક્યાં. અમિતાભ પણ 'એક નઝર'ના સેટ પર જયા સાથે કામ કરતી વખતે પ્રેમમાં પડ્યા. તે સમયે જયા હિન્દી સિનેમાની સફળ અભિનેત્રી હતી, જ્યારે અમિતાભ હજી પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરતા હતા. બંનેની મિત્રતા દિવસે દિવસે ગાઢ થતી ગઈ. જોકે, બંનેમાંથી કોઈએ એકબીજાને પ્રેમની દરખાસ્ત નહોતી કરી.
'ઝંજીર' રિલીઝ થયા પછી અચાનક જ લગ્ન નક્કી થયાં. ફિલ્મની સફળતાનું સેલિબ્રેશન લંડનમાં કરવાનું નક્કી થયું. જ્યારે અમિતાભે ઘરમાં આ વાત કરી, ત્યારે હરિવંશરાય બચ્ચન અને તેજી બચ્ચને સ્પષ્ટ ના પાડી. તેમણે કહ્યું કે, 'એક છોકરી સાથે રજા માણવા જવું હોય, તો તેની સાથે લગ્ન કરવાં પડશે, નહીં તો પ્લાન રદ કર.' જયા અને અમિતાભને એકબીજા માટે લાગણી હતી, તેથી અમિતાભે જયાને પ્રપોઝ કર્યું અને બીજા દિવસે, 3 જૂન 1973ના રોજ પરિવાર, નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યાં. તે જ રાત્રે બંને લંડન રવાના થયાં.
અમિતાભના જીવનની રક્ષા માટે જયાએ એકપણ મંદિર છોડ્યું નહોતું. ફિલ્મ 'કૂલી'ના સેટ પર અમિતાભને ગંભીર ઈજા થઈ હતી. તે સમયે જયાએ અમિતાભના સ્વસ્થ થવા માટે ઘણાં મંદિરોમાં દર્શન કર્યાં હતાં અને ધાર્મિક વિધિઓ પણ કરાવી હતી.