બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત પ્રખ્યાત બંગલા 'જલસા'ને લઈને નવો વિવાદ શરૂ થયો છે. થોડા દિવસ પહેલાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે અમિતાભના ભાઈ અજિતાભની પત્ની રમોલા બચ્ચને બંગલાની માલિકી જયા બચ્ચનના નામે ટ્રાન્સફર કરવા પર સવાલ ઉઠાવ્યા છે. રમોલાએ છેલ્લા સાત મહિનામાં રજિસ્ટ્રાર ઓફિસમાં ઘણી વખત ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે તેમની જાણકારી વિના બંગલાની માલિકી જયા બચ્ચનના નામે કરી દેવામાં આવી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અને મુંબઈ મિરરના અહેવાલ મુજબ, રમોલાનો દાવો છે કે 'જલસા' અગાઉ તેમના નામે રજિસ્ટર્ડ હતો. તે પછી 1993ની એક ગિફ્ટ ડીડ દ્વારા તેની માલિકી જયા બચ્ચનના નામે કરવામાં આવી. રમોલાએ આ ટ્રાન્સફરની માન્યતા પર સવાલ ઉઠાવતાં કહ્યું છે કે તેમને તેની જાણ નહોતી અને તેમણે તે માટે સંમતિ પણ આપી નહોતી.
મિલકતના રેકોર્ડમાં અલગ-અલગ નામ જોવા મળે છે. કપોલ હાઉસિંગ સોસાયટીના રેકોર્ડમાં જયા બચ્ચનને બંગલાની માલિક દર્શાવવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારના પ્રોપર્ટી કાર્ડમાં હજુ પણ રમોલા બચ્ચનનું નામ નોંધાયેલું છે. અહેવાલો અનુસાર, સરકારી રેકોર્ડમાંથી રમોલાનું નામ કાઢીને જયા બચ્ચનનું નામ દાખલ કરવાના પ્રયાસો પછી આ વિવાદ ફરી ઉભો થયો છે.
રમોલાએ માત્ર માલિકીના હકના હસ્તાંતરણ પર જ નહીં, પરંતુ 1993માં ગિફ્ટ ડીડ તૈયાર કરવાની પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમની ફરિયાદ મુજબ, આ દસ્તાવેજ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવ્યા વિના સાદા કાગળ પર તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં સાક્ષીઓની સહી પણ નહોતી. તેમણે આ દસ્તાવેજના પછીના રજિસ્ટ્રેશન અને મહારાષ્ટ્ર સરકારની 'અભય યોજના' હેઠળ તેને નિયમિત કરવાની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
આ મામલે અંધેરીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ઑફ કો-ઑપરેટિવ સોસાયટીઝના અધિકારી ફૈઝ મુલાનીએ ફરિયાદ મળવાની પુષ્ટિ કરી છે. મુંબઈ મિરરના અહેવાલ મુજબ, તેમણે જણાવ્યું કે મામલે સુનાવણી શરૂ થઈ ગઈ છે અને સંબંધિત પક્ષોને પોતાનો જવાબ દાખલ કરવા કહેવામાં આવ્યું છે. હાલ સત્તાવાળાઓએ 1993ની ગિફ્ટ ડીડની માન્યતા અથવા બંગલાના વાસ્તવિક માલિકીના હક અંગે કોઈ અંતિમ નિર્ણય આપ્યો નથી.
અજિતાભ બચ્ચન અને રમોલા લંડનમાં રહેતા હતા. 2002માં 'રેડિફ' સાથેના ઇન્ટરવ્યૂમાં અજિતાભે જણાવ્યું હતું કે તેઓ લંડનના હેમ્પસ્ટેડ વિસ્તારમાં પત્ની રમોલા અને બાળકો સાથે રહે છે. 'ધ ટેલિગ્રાફ'ના 2012ના અહેવાલ મુજબ, તેઓ મુંબઈ પરત ફર્યા અને જુહુમાં આવેલા બચ્ચન પરિવારના બંગલા 'પ્રતીક્ષા'માં રહેતા હતા. 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના 2025ના અહેવાલ મુજબ, અજિતાભ અને તેમનો પરિવાર લાંબા સમય સુધી લંડનમાં રહ્યા બાદ ભારત પરત ફર્યા હતા. જોકે, હાલ તેઓ ક્યાં રહે છે તે અંગે સ્પષ્ટ માહિતી નથી.
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનને 'જલસા' બંગલો 1982માં ભેટમાં મળ્યો હતો. તેમની ફિલ્મ 'સત્તે પે સત્તા' તે વર્ષે રિલીઝ થઈ હતી અને તેની શાનદાર સફળતા બાદ ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પીએ તેમને આ બંગલો ભેટમાં આપ્યો હતો. થોડાં વર્ષો બાદ અમિતાભ પોતાના પરિવાર સાથે અહીં રહેવા આવ્યા હતા. આ ઉપરાંત તેમના બે બંગલા 'પ્રતીક્ષા' અને 'જનક' પણ છે.