મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ તરફથી ધમકી મળી હોવાના અહેવાલ છે. આ પહેલાં ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન તરફથી પણ તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. હવે પન્નુની ધમકી બાદ અમિતાભના મુંબઈ સ્થિત ઘર 'જલસા'ની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેનેડામાં રહેતા ગુરપતવંત સિંહ પન્નુએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં 19થી 27 નવેમ્બર વચ્ચે લોકોને અમિતાભ બચ્ચનના ઘરની બહાર એકઠા થવાની અપીલ કરવામાં આવી છે. પોસ્ટમાં 11 લાખ રૂપિયા આપવાની વાત પણ કહેવામાં આવી છે. જોકે, આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
પોસ્ટમાં 'ખાલિસ્તાન જલસા'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને લખ્યું છે, 'બચી ગયા કે ફસાઈ ગયા?' તેમજ 31 ઓક્ટોબર 1984ના રોજ મુંબઈના શિખોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન અને ગુરપતવંત સિંહ પન્નુ વચ્ચેનો વિવાદ 1984ના શિખ વિરોધી રમખાણો સાથે જોડાયેલો છે. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દેશના અનેક ભાગોમાં શિખ સમુદાય વિરુદ્ધ હિંસા થઈ હતી. કેટલાક શિખ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે અમિતાભે 'ખૂન કા બદલા ખૂન સે લેંગે' નું સૂત્ર પોકાર્યું હતું, જેને અમિતાભે નકારી કાઢ્યું હતું. વર્ષ 2014માં પન્નુએ અમેરિકાની એક અદાલતમાં અમિતાભ વિરુદ્ધ કાનૂની કેસ દાખલ કર્યો હતો, જેમાં 1984ની હિંસા અંગે આરોપો લગાવવામાં આવ્યા હતા.