મુંબઈ: અમિતાભ બચ્ચનના ઘરે ગોળીબાર કરવાની યોજના બનાવવાના આરોપસર દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે બે શૂટરોની ધરપકડ કરી છે. આ ધરપકડ મુંબઈ પોલીસની મદદથી કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ વિદેશમાં રહેતા એક ગેંગસ્ટર માટે કામ કરતા હતા.
ધરપકડાયેલા આરોપીઓમાં જાલંધરના રહેવાસી વિકાસ ઠાકુર અને તરનતારનના રહેવાસી દીપક સિંહનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, બંનેને અલગ-અલગ કામ સોંપવામાં આવ્યાં હતાં.
દીપક સિંહને અમિતાભ બચ્ચનના ઘરની બહાર ગોળીબાર કરવાનું કામ સોંપાયું હતું. તે અમૃતસરમાં 3 ઑક્ટોબરે થયેલી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર મૈડ સંધૂની હત્યાના કેસમાં પણ વોન્ટેડ હતો. આ કેસમાં તેની સાથે સામેલ પલવિંદર સિંહ ઉર્ફે કાકાની ધરપકડ પંજાબ પોલીસે પહેલેથી જ કરી લીધી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે દીપકને મુંબઈમાં લાંબા સમય સુધી રોકાવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી તે અમિતાભ બચ્ચનના ઘરની બહાર ફાયરિંગ કરી શકે.
દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશનર નારા ચૈતન્યના જણાવ્યા મુજબ, વિકાસ ઠાકુર જલંધરના ન્યૂ ગાંધી નગરનો રહેવાસી છે. તેને મુંબઈથી દિલ્હી મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેણે એક વેપારી પાસેથી ખંડણી માંગવા માટે તેના પર ગોળીબાર કરવાનો હતો. આ હુમલામાં દીપક સિંહ પણ સામેલ થવાનો હતો, પરંતુ પોલીસે ગુનો બને તે પહેલાં જ વિકાસની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ મુંબઈમાં કાર્યવાહી કરીને દીપકને પણ ઝડપી લેવામાં આવ્યો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ગેંગસ્ટર 1984ના શીખ વિરોધી રમખાણો અંગે અમિતાભ બચ્ચનના કથિત નિવેદનને લઈને તેમને નિશાન બનાવવા માગતો હતો. જોકે, અમિતાભે આવું કોઈ નિવેદન આપવાનો ઇનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક શીખ સંગઠનો અને 1984ના રમખાણોની સાક્ષી જગદીશ કૌરે આરોપ લગાવ્યો હતો કે 31 ઑક્ટોબર 1984ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ દિલ્હીની એમ્સ હોસ્પિટલની બહાર અમિતાભ બચ્ચને ભીડને ઉશ્કેરી હતી. ફરિયાદકર્તાઓનો દાવો હતો કે અમિતાભે દૂરદર્શનના લાઇવ પ્રસારણ દરમિયાન હાથ ઊંચો કરીને ‘લોહીનો બદલો લોહી’ અને ‘લોહીનાં છાંટા શીખોના ઘરો સુધી પહોંચવા જોઈએ’ જેવા નારા લગાવ્યા હતા. જોકે, આ કથિત પ્રસારણનો કોઈ સત્તાવાર વીડિયો અત્યાર સુધી જાહેર થયો નથી.
ઑક્ટોબર 2014માં શીખ્સ ફોર જસ્ટિસે લૉસ એન્જલસની એક ફેડરલ કોર્ટમાં અમિતાભના આ કથિત નિવેદનને લઈને તેમની વિરુદ્ધ દીવાની કેસ દાખલ કર્યો હતો, જેને બચ્ચને કાયદેસર રીતે નકારી કાઢ્યો હતો. આ ઉપરાંત, ભારતની કોઈ પણ તપાસ એજન્સીએ 1984ના રમખાણોમાં અમિતાભ બચ્ચનને ક્યારેય આરોપી બનાવ્યા નથી અને ન તો તેમની વિરુદ્ધ કોઈ પુરાવો મળ્યો છે.
અમિતાભ બચ્ચનના બંગલા ‘જલસા’ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવાળો ઈમેઇલ 6 નવેમ્બરે મળ્યો હતો. તે પહેલાં 23 ઑક્ટોબરે મુંબઈનાં મેયર રિતુ તાવડેને એક ધમકીભર્યો ઈ-મેઇલ આવ્યો હતો, જેમાં પણ બચ્ચનના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની વાત લખવામાં આવી હતી. તે ઈમેલમાં 1984ના શીખવિરોધી રમખાણોનો પણ ઉલ્લેખ હતો. તેમાં કહેવામાં આવ્યું હતું- ‘દિલજીત અમિતાભ બચ્ચનને પગે લાગ્યો હતો, તેથી તેના પર હુમલો કરવામાં આવશે. 27 નવેમ્બરે દિલજીતને મહાલક્ષ્મી રેસકોર્સમાં આત્મઘાતી હુમલામાં મારી નાખવાનો છે.’
ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસ, પોલીસની ડૉગ સ્ક્વૉડ અને બૉમ્બ સ્ક્વૉડની ટીમો BMC મુખ્યાલયે પહોંચી હતી. મેયર અને ડેપ્યુટી મેયરની કચેરી સહિત વિવિધ ચેમ્બરોની પણ તલાશી લેવામાં આવી હતી.
આ દરમિયાન, 18 ઑક્ટોબરે મુંબઈમાં ટાઇગર શ્રોફની કાર પર ગોળીબારની ઘટના બની હતી. ટાઇગર ફૂટબોલ રમ્યા બાદ જુહુ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં ટાઇગરને ગોળી વાગી નહોતી, પરંતુ તેમના ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.