સત્ય. સાહસ. સંકલ્પ.

અમિતાભ બચ્ચનની સુરક્ષા પર વિવાદ: બુલેટપ્રૂફ શીલ્ડ હટાવાયું, કોંગ્રેસ-ભાજપ સામસામે

અમિતાભ બચ્ચનની સુરક્ષા પર વિવાદ: બુલેટપ્રૂફ શીલ્ડ હટાવાયું, કોંગ્રેસ-ભાજપ સામસામે

મુંબઈ: ગત અઠવાડિયે અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ તેમને બુલેટપ્રૂફ શીલ્ડની આડમાં સંડે દર્શન માટે આવતા જોવા મળ્યા હતા. જોકે, આ અઠવાડિયે તેમની બુલેટપ્રૂફ શીલ્ડ હટાવી દેવામાં આવી છે. આ મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

કોંગ્રેસે તેમની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યો છે કે શું સરકારની છબી ખરાબ થવાના ડરથી શીલ્ડ હટાવવામાં આવી છે કે પછી ખતરો ટળી ગયો છે. આ અંગે ભાજપના નેતાએ પણ કોંગ્રેસ નેતાના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો છે.

અમિતાભ બચ્ચન 8 નવેમ્બરે બુલેટપ્રૂફ ગ્લાસ વિના આવ્યા તે અંગે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે એનડીટીવીને જણાવ્યું હતું કે આ નિર્ણય ખતરો ટળી જવાને કારણે લેવામાં આવ્યો છે કે પછી સરકારની છબી ખરાબ થતી બચાવવા માટે, તેનો જવાબ તો અમિતાભ બચ્ચન જ આપી શકે છે.

સચિન સાવંતે કહ્યું, "બુલેટપ્રૂફ ગ્લાસ ભલે હટાવી દેવામાં આવ્યો હોય, પરંતુ બોલિવૂડના એક્ટર્સ, કલાકારો, પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સના મનમાંથી ડર ક્યારે દૂર થશે?" તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સવાલ કર્યો કે ફિલ્મ ઉદ્યોગને સુરક્ષિત માહોલ ક્યારે મળશે. તેમણે કેન્દ્રની મોદી સરકાર અને મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકાર પર બોલિવૂડ હસ્તીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિફળ રહેવાનો આરોપ પણ લગાવ્યો.

બીજી તરફ, કોંગ્રેસના આરોપો પર ભાજપના ધારાસભ્ય રામ કદમે વળતો પ્રહાર કર્યો. તેમણે કહ્યું, "અમિતાભ બચ્ચને પોતાના ચાહકોનું અભિવાદન કરવા માટે બનાવવામાં આવેલા પ્લેટફોર્મ પરથી બુલેટપ્રૂફ કાચનું પાર્ટિશન હટાવ્યું છે. તેને થોડા સમય માટે લગાવવામાં આવ્યું હતું. હવે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ આ બાબતને પણ પોતાની હલકી રાજનીતિનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."

ભાજપના નેતાએ કહ્યું કે જો અમિતાભ બચ્ચનના જીવને ખતરો હોય, તો તેઓ પોલીસના કહેવા પર પણ સુરક્ષામાં બેદરકારી રાખતા નથી. આવી સ્થિતિમાં સરકારના દબાણનો દાવો કરવો સંપૂર્ણપણે ખોટો છે.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનના ઘરની બહાર બુલેટપ્રૂફ કાચ લગાવવાનો નિર્ણય એક ધમકીભર્યા ઈમેલ બાદ લેવામાં આવ્યો હતો. આ ઈમેલ મુંબઈના મેયર રિતુ તાવડેને મળ્યો હતો, જેમાં અમિતાભના બંગલા 'જલસા' પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમના ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

1 નવેમ્બરે જ્યારે અમિતાભ પોતાના ચાહકોને મળવા બહાર આવ્યા, ત્યારે તેઓ બુલેટપ્રૂફ કાચની પાછળ ઊભેલા જોવા મળ્યા હતા. તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ આખો સમય તેમની પાસે હાજર રહ્યા હતા. મુંબઈ પોલીસ અને ખાનગી સુરક્ષાકર્મીઓ પણ ત્યાં તૈનાત હતા.

બોલિવૂડ હસ્તીઓની સુરક્ષાને લઈને ચિંતા ત્યારે વધુ વધી ગઈ, જ્યારે 18 ઑક્ટોબરે મુંબઈના જુહુ વિસ્તારમાં એક્ટર ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગ થયું હતું. બે હુમલાખોરોએ કાર પર પાંચ ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં ટાઇગરને કોઈ ગંભીર ઈજા થઈ નહોતી, પરંતુ તેમના ડ્રાઇવર અને ત્યાં હાજર અન્ય એક વ્યક્તિને ગોળી વાગી હતી.