સત્ય. સાહસ. સંકલ્પ.

KBC 18ના સેટ પર અમિતાભ બચ્ચન લપસ્યા: ડાબા ઘૂંટણમાં ઈજા

KBC 18ના સેટ પર અમિતાભ બચ્ચન લપસ્યા: ડાબા ઘૂંટણમાં ઈજા

અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ 18'ના સેટ પર લપસી પડ્યા, જેમાં તેમને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ છે. તેમણે 37મા એપિસોડમાં આ ઘટનાની જાણકારી આપી.

ગઈકાલે શૂટિંગ દરમિયાન તેમનો પગ લપસી ગયો હતો. તેમણે દર્શકોને ડાબા ઘૂંટણ તરફ ઈશારો કરીને કહ્યું કે, ઈજા ગંભીર નથી. સામાન્ય રીતે તેઓ સ્ટેજના મધ્યમાં ઊભા રહીને મોનોલોગ કરે છે, પણ આ વખતે દુખાવાને કારણે બેસીને એપિસોડની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, તેઓ ઊભા રહીને જ કન્ટેસ્ટન્ટ્સ સાથે ગેમ હોસ્ટ કરશે.

આ પહેલાં બે અઠવાડિયા પહેલાં અમિતાભે તેમના બ્લોગમાં 'ટાઈમ ટુ રિટાયર' લખ્યું હતું, જેને લઈને ચાહકોમાં ચિંતા ફેલાઈ હતી. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો અર્થ સૂવા જવાનો હતો, ન કે કામમાંથી નિવૃત્ત થવાનો.

ગયા વર્ષે તેમણે બ્લોગમાં વધતી ઉંમરના પડકારો વિશે લખ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હવે સામાન્ય કામો માટે પણ વધુ પ્રયત્નો કરવા પડે છે. તેમણે લખ્યું હતું કે, પહેલા લાગતું હતું કે જૂની આદતો સરળતાથી શરૂ થઈ જશે, પણ હવે સમજાયું કે એક દિવસનો બ્રેક પણ લાંબી અસર કરે છે. તેમણે ડોક્ટરની સલાહનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, પેન્ટ પહેરતી વખતે ઊભા રહેવાનો પ્રયાસ ન કરો, કારણ કે સંતુલન ગુમાવવાનું જોખમ રહે છે.

અમિતાભ બચ્ચન વર્ષ 2000થી 'કેબીસી' હોસ્ટ કરી રહ્યા છે. ત્રીજી સિઝન સિવાય, જે શાહરુખ ખાને હોસ્ટ કરી હતી, બાકીની તમામ સિઝનમાં તેમણે યજમાની કરી છે.

ઉલ્લેખનીય છે કે, 1982માં ફિલ્મ 'કુલી'ના શૂટિંગ દરમિયાન થયેલા અકસ્માતમાં તેમને ગંભીર ઈજા થઈ હતી અને ડોક્ટરોએ તેમને ક્લિનિકલી મૃત જાહેર કર્યા હતા. તેમનું 75% લિવર ખરાબ થયું છે અને તેઓ 25% લિવર પર જીવે છે.