ટેલિવિઝનના લોકપ્રિય ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 18'ના તાજેતરના એક એપિસોડમાં 26/11 મુંબઈ આતંકવાદી હુમલાને લગતી ચર્ચા થઈ, જેમાં અભિનેતા અમિતાભ બચ્ચને આતંકવાદી અજમલ કસાબ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી.
આ ખાસ એપિસોડમાં જાણીતા પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમ હોટ સીટ પર આવ્યા હતા. તેમની સાથે અભિનેતા રાજકુમાર રાવ અને વામિકા ગબ્બી પણ જોડાયા હતા. ચર્ચા દરમિયાન 26/11 હુમલા અને તેની કાનૂની સુનાવણી સંબંધિત ઘણી બાબતો સામે આવી.
શોમાં અમિતાભ બચ્ચને ઉજ્જવલ નિકમને પૂછ્યું કે કસાબને ફાંસી આપવામાં ચાર વર્ષ જેટલો સમય કેમ લાગ્યો. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, "તેને તો ત્યાં જ દાટી દેવો જોઈતો હતો. આટલો બધો સમય કેમ લાગ્યો?"
જવાબમાં નિકમે જણાવ્યું કે કસાબે શરૂઆતથી જ પોતાની ઓળખ અને ધરપકડ અંગે તપાસ એજન્સીઓ અને અદાલતને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કર્યા હતા. તેમણે કહ્યું કે કસાબે દાવો કર્યો હતો કે તે 26/11ના હુમલા વેળા નહીં, પરંતુ 6 નવેમ્બરે જુહુ ચોપાટી પરથી પકડાયો હતો. નિકમે ઉમેર્યું, "તમને જાણીને આશ્ચર્ય થશે, તેણે એવો પણ દાવો કર્યો હતો કે તે અમિતાભજીને જોવા અને મળવા મુંબઈ આવ્યો હતો."
આ સાંભળીને અમિતાભ બચ્ચને તીખો જવાબ આપતાં કહ્યું, "ના-ના સર, જો તે આવ્યો હોત તો તે અમારા ઘરેથી જીવતો પાછો જવાનો નહોતો. ત્યાં જ અમે તેને ગોળી મારી દીધી હોત."
નિકમે કસાબની અન્ય કાવાદાવાઓનો પણ ઉલ્લેખ કર્યો. કસાબે પોતાને સગીર ગણાવ્યો હતો અને ધરપકડ 'રો' દ્વારા થયાનો દાવો કર્યો હતો. કાયદા મુજબ, કોઈપણ આતંકવાદી સામે ટ્રાયલ શરૂ કરતાં પહેલાં તેની સાચી ઉંમર સાબિત કરવી જરૂરી હોય છે, જેના કારણે કાનૂની પ્રક્રિયામાં વિલંબ થયો.