સત્ય. સાહસ. સંકલ્પ.

અમિતાભ બચ્ચનને બોમ્બથી ઉડાવવાની ધમકી બાદ 'જલસા'ની સુરક્ષા વધારાઈ, બુલેટપ્રૂફ કેબિનમાંથી 'સન્ડે દર્શન'

અમિતાભ બચ્ચનને બોમ્બથી ઉડાવવાની ધમકી બાદ 'જલસા'ની સુરક્ષા વધારાઈ, બુલેટપ્રૂફ કેબિનમાંથી 'સન્ડે દર્શન'

મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને તેમના નિવાસસ્થાન 'જલસા'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તેમની સુરક્ષા વધારી દીધી છે. રવિવારે અમિતાભ બચ્ચને પોતાની પરંપરા મુજબ ચાહકોને મળવા માટે 'જલસા'ની બહાર આવ્યા, પરંતુ આ વખતે તેઓ બુલેટપ્રૂફ કાચની કેબિનની અંદરથી જ ચાહકોને હાથ હલાવતા અને નમસ્તે કરતા જોવા મળ્યા.

દર રવિવારે અમિતાભ બચ્ચન પોતાના બંગલાની બહાર આવીને ચાહકોનું અભિવાદન કરે છે, જેને 'સન્ડે દર્શન' કહેવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જોકે, તાજેતરમાં તેમને બોમ્બની ધમકી મળતાં પોલીસ સતર્ક થઈ ગઈ છે અને સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. રવિવારે પણ પોલીસકર્મીઓ બેરિકેડ પાસે તૈનાત રહ્યા અને ભીડ પર નજર રાખી.

ઉલ્લેખનીય છે કે, 23 ઓક્ટોબરે મુંબઈનાં મેયર ઋતુ તાવડેની કચેરીને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. તેમાં અમિતાભ બચ્ચનના બંગલા ઉપરાંત ગાયક-અભિનેતા દિલજીત દોસાંજના મુંબઈ કોન્સર્ટ અને કેટલીક શાળાઓને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં જુહુ સ્થિત અમિતાભના બંગલા 'જલસા'ને 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચે નિશાન બનાવવાની વાત કહેવામાં આવી હતી.

આ પહેલાં યોજાયેલા સન્ડે દર્શન દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા હતા. સામાન્ય રીતે અમિતાભ આ પરંપરા દરમિયાન એકલા જ ચાહકો સામે આવે છે, પરંતુ છેલ્લી વખત પિતાની પાછળ ઊભેલા અભિષેકની હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાના બ્લોગ પર જણાવ્યું હતું કે તેમને આરામની જરૂર છે. તેમણે લખ્યું હતું કે ડૉક્ટરોએ તેમને થોડા દિવસો સુધી આરામ કરવા અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની સલાહ આપી છે. તેમ છતાં તેમણે રવિવારે ચાહકોને મળવાની પરંપરા તોડી નહોતી.