મુંબઈ: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના જુહૂ સ્થિત બંગલા 'જલસા'ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીવાળો ઈમેલ ફરી એક વખત મળ્યો છે. આ ધમકી 15 દિવસમાં બીજી વાર આવી છે. ઈમેલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE), વરલી રેસકોર્સ અને બોમ્બે હાઈકોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.
આ પહેલાં 23 ઑક્ટોબરે મુંબઈના મેયર રિતુ તાવડેને એક ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. તેમાં પણ બચ્ચનના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની વાત લખવામાં આવી હતી. તે ઈમેલમાં અમિતાભ બચ્ચન અને ગાયક દિલજીત દોસાંઝને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. કહેવામાં આવ્યું હતું કે, 31 ઑક્ટોબરથી 27 નવેમ્બર વચ્ચે ક્યારેય પણ બંગલાને નિશાન બનાવવામાં આવી શકે છે. આ હુમલો 1984ના 'ઓપરેશન બ્લૂ સ્ટાર'નો બદલો હશે. ઈમેલમાં ખાલિસ્તાન સમર્થક નારા પણ લખવામાં આવ્યા હતા.
23 ઑક્ટોબરના ઈમેલમાં 1984ના શીખવિરોધી રમખાણોનો પણ ઉલ્લેખ હતો. તેમાં કહેવામાં આવ્યું હતું- 'દિલજીતે અમિતાભ બચ્ચનના પગ સ્પર્શ કર્યા હતા, તેથી તેના પર હુમલો કરવામાં આવશે. 27 નવેમ્બરે દિલજીતને મહાલક્ષ્મી રેસકોર્સમાં આત્મઘાતી હુમલામાં મારી નાખવાનો છે.'
ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસ, પોલીસની ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો બીએમસી મુખ્યાલયે પહોંચી હતી. મેયર અને ડેપ્યુટી મેયરની કચેરી સહિત વિવિધ ચેમ્બરોની પણ તપાસ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન રવિવારે (1 નવેમ્બર) મુંબઈ સ્થિત પોતાના ઘર 'જલસા'ની બહાર બુલેટપ્રૂફ કાચ પાછળ ચાહકોને મળ્યા હતા. ત્યારબાદ તેમની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.
ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન (AICWA)એ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને એક્ટર્સ, ફિલ્મમેકર્સ અને તેમના પરિવારોની સુરક્ષા વધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. એસોસિયેશને પત્રમાં લખ્યું, 'ચાર દાયકાથી વધુ સમયથી તેઓ દર રવિવારે ત્યાં ચાહકોને મળે છે. તેમને જોવા માટે ભારત અને વિદેશમાંથી લોકો આવે છે. 84 વર્ષની ઉંમરે તેમણે ક્યારેય વિચાર્યું નહીં હોય કે તેમને પોતાના જ શહેરમાં આ રીતે પોતાનું રક્ષણ કરવું પડશે. તેમના દીકરા અભિષેક બચ્ચન, જે બહુ ઓછા બહાર આવે છે, પોતાના પિતાની સુરક્ષા માટે તેમની સાથે ઊભા રહ્યા.'
પત્રમાં વધુમાં લખ્યું હતું, 'લોકોએ બુલેટપ્રૂફ કાર વિશે સાંભળ્યું છે. આ પહેલાં કોઈ સુપરસ્ટારને પોતાના ઘરેથી બહાર બુલેટપ્રૂફ કાચની પાછળ રહીને તેમને પ્રેમ કરતા લોકો સાથે મળવા માટે નીકળતા જોવામાં આવ્યા નથી. આ તસવીર ભારતીય સિનેમાના ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે અને તેનાથી સમગ્ર ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે.'
પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં AICWAએ અનેક જાણીતી હસ્તીઓ સાથે જોડાયેલા મામલાઓનો ઉલ્લેખ કર્યો. તેમાં બાંદ્રામાં બાબા સિદ્દીકીની હત્યા, સલમાન ખાનના ઘરની બહાર થયેલી ગોળીબાર અને સૈફ અલી ખાન પર ઘરમાં થયેલો ચાકુથી હુમલો સામેલ છે. સંગઠને ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જુહૂ સ્થિત ઘરની બહાર થયેલા ગોળીબારનો પણ ઉલ્લેખ કર્યો.
પત્રમાં કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કેફેને નિશાન બનાવીને થયેલી ગોળીબારની ઘટનાઓનો પણ ઉલ્લેખ છે. તેમાં તાજેતરમાં જ જુહૂમાં ટાઇગર શ્રોફ સાથે જોડાયેલી ગોળીબારની ઘટના પણ સામેલ છે. AICWAએ ટાઇગર શ્રોફ સાથે જોડાયેલી ઘટના પર ચિંતા વ્યક્ત કરી. સંગઠને જણાવ્યું કે, આ ઘટના એક વ્યસ્ત વિસ્તારમાં બની હતી, જ્યાં અનેક લોકો હાજર હતા.
પત્રમાં લખવામાં આવ્યું, 'ટાઈગર શ્રોફ પર જુહૂમાં મોટી ભીડની હાજરીમાં ગોળી ચલાવવામાં આવી. આ મુંબઈના સૌથી પ્રમુખ VIP વિસ્તારોમાંનો એક છે. બે લોકોને ગોળી વાગી. ટાઈગર શ્રોફનો કોઈ વિવાદ કે કોઈ સાથે દુશ્મની સામે આવી નથી.'
AICWAએ એમ પણ કહ્યું કે, 'આ ઘટનાઓ પાછળ ખંડણી એક સામાન્ય કારણ હોઈ શકે છે.' સંગઠન અનુસાર, ગુનાહિત ટોળકી બોલિવૂડની લોકપ્રિયતા અને આંતરરાષ્ટ્રીય ઓળખને કારણે ફિલ્મી હસ્તીઓને નિશાન બનાવી રહી છે. એસોસિયેશને આરોપ લગાવ્યો કે, જાણીતા એક્ટર્સ અને ફિલ્મમેકર્સ પર હુમલા ભય ફેલાવવા, ઓળખ બનાવવા અને મોટી રકમ વસૂલવા માટે કરવામાં આવી રહ્યા છે.