સત્ય. સાહસ. સંકલ્પ.

અમિતાભ બચ્ચનની તબિયત ચિંતાજનક, હાથમાં દુખાવાને કારણે લખી શકતા નથી; KBCનું શૂટિંગ અટક્યું

અમિતાભ બચ્ચનની તબિયત ચિંતાજનક, હાથમાં દુખાવાને કારણે લખી શકતા નથી; KBCનું શૂટિંગ અટક્યું

કાળી ચૌદશની રાતે એટલે કે શનિવારે મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયતને લગતા ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા. અહેવાલ મુજબ, તબિયત બગડવાને કારણે અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિ (KBC)ના શૂટિંગને અટકાવી દીધું છે.

રવિવારે વહેલી સવારે અમિતાભ બચ્ચને ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવતી એક ભાવુક પોસ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે તેમના હાથમાં તકલીફ થઈ રહી છે, જેના કારણે તેઓ લખી શકતા નથી.

અમિતાભ બચ્ચને સત્તાવાર બ્લોગમાં લખ્યું, “સૌને દીપાવલીની અનેક શુભેચ્છાઓ અને ચતુર્દશીની પણ શુભેચ્છા સાથે સ્નેહ, આદર અને શુભ મંગળની પ્રાર્થનાઓ. ઈશ્વરની કૃપા હંમેશાં આપણને ઘેરી રહે.”

બ્લોગમાં તેમણે વધુમાં લખ્યું કે તેમને એટલી બધી શુભેચ્છાઓ અને ભેટો મળે છે કે તેમની પાસે તેને રાખવા માટેની જગ્યા પણ ઓછી પડવા લાગી છે. તેમણે જણાવ્યું, “હું મારી તરફથી ભેટ મોકલનારાઓને પત્ર લખીને જવાબ આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. પોતે જવાબ આપવા માગું છું, પરંતુ જે હાથથી લખું છું, તે હાથ ચલાવવામાં તકલીફ થઈ રહી છે. વિલંબ માટે માફી માગું છું.”

બ્લોગના આગલા ભાગમાં તેમણે લખ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી એવી સ્થિતિ ઊભી થઈ રહી છે, જેના કારણે તેમને વારંવાર માફી માંગવી પડે છે. આ ઉપરાંત, અમિતાભ બચ્ચને તેમના સત્તાવાર X એકાઉન્ટ પરથી બે પોસ્ટ પણ શેર કરી. પહેલીમાં લખ્યું, “થ..થ.. થઈ ગયું” અને બીજીમાં લખ્યું, “અને શું? બસ.”

ન્યૂઝ એજન્સી IANSએ KBC સાથે જોડાયેલા સૂત્રને ટાંકીને લખ્યું છે કે અમિતાભ બચ્ચનની તબિયત છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ ચાલી રહી હતી, જેના કારણે શોના નવા એપિસોડનું શૂટિંગ અટકાવવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, તબિયતમાં સુધારો થયા બાદ અમિતાભ બચ્ચન ટૂંક સમયમાં નવા એપિસોડનું શૂટિંગ કરશે.

આ દરમિયાન અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું કે તેઓ પોતાની દૈનિક રૂટિન પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે.