સત્ય. સાહસ. સંકલ્પ.

ધમકી વચ્ચે અમિતાભ બચ્ચને બુલેટપ્રૂફ કાચ પાછળથી ચાહકોનું અભિવાદન કર્યું, અભિષેક પિતાની ઢાલ બન્યા

ધમકી વચ્ચે અમિતાભ બચ્ચને બુલેટપ્રૂફ કાચ પાછળથી ચાહકોનું અભિવાદન કર્યું, અભિષેક પિતાની ઢાલ બન્યા

મુંબઈ: હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનના ઘર 'જલસા' પર આત્મઘાતી હુમલાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ધમકીને પગલે તેમની સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ધમકી ત્યારે સામે આવી છે જ્યારે તાજેતરમાં જ ગાયક દિલજીત દોસાંજના કોન્સર્ટ પર આત્મઘાતી હુમલાના સમાચારે મુંબઈમાં ચિંતા વધારી હતી.

દર રવિવારે અમિતાભ બચ્ચન તેમના ઘર 'જલસા'ની બહાર આવીને ચાહકોનું અભિવાદન કરે છે. તેઓ ટ્રોલી પર ઊભા રહીને કલાકો સુધી લાઈનમાં ઊભેલા હજારો ચાહકો સાથે સંવાદ કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

ગંભીર ધમકી છતાં અમિતાભ બચ્ચને આ પરંપરા બંધ કરી નથી. તેઓ કડક સુરક્ષા વચ્ચે પણ ચાહકોને મળવા પહોંચ્યા હતા. જોકે, આ વખતે તેમની ટ્રોલીને ચારે બાજુથી બુલેટપ્રૂફ કાચથી ઢાંકી દેવામાં આવી હતી. આ કાચની દીવાલ ચાહકો અને અમિતાભ વચ્ચે અંતર ઊભું કરે છે, જેનાથી કેટલાક ચાહકો નિરાશ પણ થયા હતા.

આ મુશ્કેલ સમયમાં તેમના પુત્ર અભિષેક બચ્ચન પિતાની સાથે પડછાયાની જેમ ઊભા રહ્યા હતા. તેઓ સુરક્ષા વ્યવસ્થાથી લઈને બહારની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. અભિષેકની આ સક્રિયતા દર્શાવે છે કે ધમકી બાદ તેઓ પિતાની સુરક્ષાને લઈને વધુ ચિંતિત છે.

84 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન વ્યાવસાયિક મોરચે સક્રિય છે. તેઓ હાલમાં રિયાલિટી શો 'KBC 18' હોસ્ટ કરી રહ્યા છે. ઉપરાંત, તેમની આગામી ફિલ્મોમાં 'કલ્કી 2', 'બ્રહ્માસ્ત્ર 2' અને 'સેક્શન 84'નો સમાવેશ થાય છે.