બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને ગેંગસ્ટર ગોલ્ડી ધિલ્લોન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ગોલ્ડીએ કહ્યું છે કે તેઓ ભલે ગમે તેટલી બુલેટપ્રૂફ કેબિન બનાવી લે, તેમને ગોળી મારી દેવામાં આવશે.
ગોલ્ડીએ દાવો કર્યો છે કે દિલ્હી પોલીસ દ્વારા તેના બે સાથીઓની ધરપકડ છતાં અમિતાભ બચ્ચનને નિશાન બનાવવાના તેના કાવતરા પર કોઈ અસર પડી નથી. તેણે મુંબઈમાં તેના લગભગ 200 સાથીઓ સક્રિય હોવાનો પણ દાવો કર્યો છે.
દિલ્હી પોલીસે એક દિવસ પહેલા બે શાર્પશૂટરોની ધરપકડ કરી છે, જેમના પર અમિતાભ બચ્ચનના ઘરની બહાર ફાયરિંગ કરવાની યોજના બનાવવાનો આરોપ છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં જાલંધરના રહેવાસી વિકાસ ઠાકુર અને તરનતારણના રહેવાસી દીપક સિંહનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મુંબઈ પોલીસની મદદથી આ ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 1984ના શીખ-વિરોધી રમખાણો અંગે અમિતાભે કથિત રીતે કરેલી ટિપ્પણીઓને લઈને ગેંગસ્ટર તેમને નિશાન બનાવવા માંગતો હતો. જોકે, અમિતાભે આવું કોઈ નિવેદન આપ્યું હોવાનો ઇનકાર કર્યો છે.
ગોલ્ડીએ તેની પોસ્ટમાં 1984ના શીખ વિરોધી રમખાણોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તેના જવાબદાર લોકોને ક્યારેય માફ કરવામાં નહીં આવે. કેટલાક શીખ સંગઠનો અને 1984ના રમખાણોના સાક્ષી જગદીશ કૌરે આક્ષેપ કર્યો હતો કે 31 ઓક્ટોબર 1984ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ અમિતાભ બચ્ચને દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ની બહાર એક ટોળાને ઉશ્કેર્યું હતું. ફરિયાદીઓના જણાવ્યા અનુસાર, તેમણે દૂરદર્શન પરના જીવંત પ્રસારણ દરમિયાન "લોહીના બદલે લોહી" જેવા નારા લગાવ્યા હતા. જોકે, આ કથિત પ્રસારણનો કોઈ અધિકૃત વીડિયો ક્યારેય જાહેર ક્ષેત્રમાં સામે આવ્યો નથી.
આ ઘટનાક્રમ વચ્ચે, અમિતાભ બચ્ચને રવિવારે ચાહકોને મળવા માટે તેમના બંગલા બહાર આવીને એક ક્રિપ્ટિક પોસ્ટ કરી હતી. તેમણે સત્તાવાર X એકાઉન્ટ પરથી લખ્યું, ‘બચ ગએ’. મહાનાયકની આ પોસ્ટને સતત મળી રહેલી ધમકીઓ સાથે જોડીને જોવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે તેમના બંગલાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેઇલ મળ્યો હતો. આ ઉપરાંત દિલ્હી પોલીસે તેમના ઘરની બહાર ફાયરિંગ કરવાની યોજના રચનારા બે શાર્પશૂટર્સને પકડી પાડ્યા હતા.