અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે આચાર્ય શ્રી નરરત્ન સૂરીશ્વરજી મહારાજને મળીને અરિહા શાહને ભારત પાછી લાવવાનું વચન આપ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ મુલાકાત લગભગ 20 મિનિટ ચાલી હતી, જેમાંથી 8 મિનિટ અરિહાના મુદ્દા પર ચર્ચા થઈ હતી.
અમિત શાહે જણાવ્યું કે, “આ કેસની દરેક ફાઈલ પર મારી નજર છે અને મારે આ કેસ જલદી પતાવીને ગુજરાતની દીકરીને ગુજરાતમાં જલદી લાવવી છે. હું જૈન કમ્યુનિટીને આ વચન આપીને જાઉં છું.”
આ પહેલા અમિત શાહે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પ્રેરણા તીર્થ દેરાસરમાં ગચ્છાધિપતિ પ.પૂ. નરરત્ન સૂરીશ્વરજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે પાલડી વિસ્તારમાં વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ગચ્છાધિપતિ પ.પૂ. ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જૈન ધર્મના આધ્યાત્મિક મૂલ્યો અને સંત પરંપરા પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અરિહા શાહ નામની ભારતીય બાળકી છેલ્લા લાંબા સમયથી જર્મનીમાં ફોસ્ટર કેરમાં છે. તેના માતા-પિતા તેને ભારત લાવવા માટે લાંબા સમયથી કાનૂની અને રાજદ્વારી લડત લડી રહ્યા છે. ભારતીય સમુદાય અને ખાસ કરીને જૈન સમાજ દ્વારા અરિહાને તેની સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ જળવાઈ રહે તે રીતે ભારતમાં ઉછેરવા માટે સતત માંગ કરવામાં આવી રહી છે.
અગાઉ 12 માર્ચ 2024ના રોજ પણ જૈન સમુદાયના વરિષ્ઠ પ્રતિનિધિઓએ અરિહા મામલે જર્મનીના રાજદૂત ડૉ. ફિલિપ એકરમેનના નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને જઈને રૂબરૂ મુલાકાત કરી હતી.
માત્ર પાંચ વર્ષની ઉંમરે અરિહાને અત્યાર સુધીમાં પાંચ વખત અલગ-અલગ ફોસ્ટર કેરમાં મોકલવામાં આવી છે, જેના કારણે તેને સ્થિર વાતાવરણ મળ્યું નથી. હાલમાં તે મહિનામાં માત્ર બે વાર જ તેના માતા-પિતાને મળી શકે છે. હવે માતા-પિતાના જર્મનીમાં વિઝા પ્રતિબંધોને કારણે આ મુલાકાતો પર પણ જોખમ ઊભું થયું છે.