સત્ય. સાહસ. સંકલ્પ.

પીએમ મોદીના જન્મદિવસે અમિત શાહ ગુજરાત આવશે, વડનગરથી બાઇક યાત્રાને પ્રસ્થાન કરાવશે

પીએમ મોદીના જન્મદિવસે અમિત શાહ ગુજરાત આવશે, વડનગરથી બાઇક યાત્રાને પ્રસ્થાન કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ વડનગર અને અમદાવાદમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

અમદાવાદના જગન્નાથ મંદિરમાં અમિત શાહ વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય માટે વિશેષ આરતી કરશે. આ ઉપરાંત કાંકરિયા ખાતે 1.25 લાખ દીવડા પ્રગટાવવાના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. આ કાર્યક્રમ પીએમ મોદીના 25 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે યોજાયો છે.

ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન હેઠળ ‘વડનગરથી વારાણસી’ યુવા બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના ઇન્ચાર્જ અને સાંસદ વી.ડી. શર્મા તથા મહામંત્રી ડો. પ્રશાંત કોરાટે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બાઇક યાત્રા 17 સપ્ટેમ્બરથી શરૂ થઈને 7 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં યાત્રા વડનગરથી વારાણસી જશે અને ત્યારબાદ વારાણસીથી વડનગર પરત ફરશે.

આ અભિયાનમાં 250 સેવા યાત્રીઓના 10 જુદા જુદા ગ્રુપ જોડાશે અને 10 નિર્ધારિત રૂટ પર યાત્રા આગળ વધશે. ગુજરાતના સૌરાષ્ટ્ર, ઉત્તર, દક્ષિણ અને મધ્ય એમ ચાર રૂટ પરથી ઉપ-યાત્રાઓ નીકળીને વડનગર ખાતે એકત્ર થશે. આ દરમિયાન વિવિધ સ્થળોએથી જળ કળશ એકત્ર કરીને વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવનું પૂજન કરવામાં આવશે અને બાકીનું પવિત્ર જળ કાશી વિશ્વનાથ, વારાણસી લઈ જવામાં આવશે.