સત્ય. સાહસ. સંકલ્પ.

અમિત શાહ આજે ગુજરાતમાં: રૂપાલ-માણસા દર્શન, ગાંધીનગર મેયરની પસંદગી પર ચર્ચા શક્ય

અમિત શાહ આજે ગુજરાતમાં: રૂપાલ-માણસા દર્શન, ગાંધીનગર મેયરની પસંદગી પર ચર્ચા શક્ય

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગાંધીનગર જિલ્લામાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપશે.

કાર્યક્રમ મુજબ, શાહ સાંજે 5:45 વાગ્યે રૂપાલ ખાતે પહોંચશે અને વરદાયિની માતાના મંદિરે પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ મંદિર પરિસરમાં ભગવાન શિવની 81 ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરશે.

રૂપાલ બાદ તેઓ સાંજે 7:15 વાગ્યે પોતાના વતન માણસા ખાતે બહુચર માતાના મંદિરે દર્શન કરશે, જ્યાં તેઓ નવરાત્રિ દરમિયાન દર વર્ષે પરિવારના કુળદેવીના દર્શને આવે છે.

આ પ્રવાસને પગલે ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને ગાંધીનગર મહાનગરપાલિકાના નવા મેયરની પસંદગી અંગે શાહ સાથે બેઠક થઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ થયેલી નથી.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મનપાના મેયર પદની પ્રથમ અઢી વર્ષની ટર્મ OBC માટે અનામત છે. હાલમાં મેયર પદ માટે 7 નામો ચર્ચામાં છે, જેમાં ધર્મેન્દ્ર નાયી (વોર્ડ નં. 10), કનૈયાલાલ દેસાઈ (વોર્ડ નં. 5), મહેશ ચૌધરી (વોર્ડ નં. 1) અને રૂપસિંહજી ઠાકોર મુખ્ય દાવેદારોમાં સૌથી આગળ છે. આ ઉપરાંત અરવિંદ ઠાકોર, અંકિત બારોટ અને વિષ્ણુજી ઠાકોરનાં નામ પણ ચર્ચામાં છે.

નવા મેયર તરીકે કોના નામ પર આખરી મહોર વાગશે તે શાહના પ્રવાસ બાદ સ્પષ્ટ થવાની ધારણા છે.