ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તીવ્ર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ છેલ્લા 41 વર્ષથી ગુજરાતમાં એક પણ ચૂંટણી જીતી શકી નથી. છેલ્લે 1985માં કોંગ્રેસે ગુજરાતમાં જીત મેળવી હતી, ત્યારબાદ તે સતત હારી રહી છે.
અમિત શાહે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી SIR (મતદાર યાદી સુધારણા)ના બહાને ઘૂસણખોરોને બચાવવા માંગે છે. તેમણે કહ્યું કે 2029ની ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાર નિશ્ચિત છે. ગાંધીનગર મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપના મત હિસ્સામાં 10 ટકાનો વધારો થયો છે.
તાજેતરમાં કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને મતદાર યાદી સુધારણા (SIR)ના મુદ્દે દિલ્હીમાં રોજેરોજ દેખાવો અને ધરણા પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. આ અંગે અમિત શાહે કહ્યું, "હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે ગાંધીનગર મનપા સહિત જ્યાં જ્યાં આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, તે શું SIRનું પરિણામ છે? તમે 41 વર્ષમાં એક પણ ચૂંટણી જીતી શક્યા નથી. આ રાહુલ ગાંધી માટે આત્મમંથનનો વિષય હોવો જોઈએ."
અમિત શાહે વધુમાં જણાવ્યું કે તાજેતરમાં તમિલનાડુ, બંગાળ અને પુડુચેરીમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી. આસામના નાગાંવમાં ભાજપના ઉમેદવાર 1.42 લાખ મતોના અંતરથી જીત્યા છે, જે બેઠક અગાઉ કોંગ્રેસ પાસે હતી. નંદીગ્રામમાં ભાજપે 76 ટકા મત મેળવ્યા અને એક લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી. તેવી જ રીતે બંગાળના રેજીનગરમાં ભાજપે મોટી જીત મેળવી અને TMC પાસેથી બેઠક છીનવી લીધી.
ગૃહમંત્રીએ ત્રિપુરાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે કોંગ્રેસે ત્રિપુરામાં 33 વર્ષથી અને બંગાળમાં 56 વર્ષથી જીત મેળવી નથી. તેમણે કહ્યું, "જ્યારે તમે કોંગ્રેસના મુખ્ય નેતા બન્યા, પક્ષના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની ભૂમિકા સંભાળી, ત્યારથી કોંગ્રેસ સતત હારનો સામનો કરી રહી છે. તમે ખોટા અભિયાનો દ્વારા દેશની જનતાનો વિશ્વાસ જીતી શકતા નથી. માત્ર ભીડ એકઠી કરીને તમે દેશનો અવાજ બની શકતા નથી."
અમિત શાહે ઉમેર્યું કે તેમણે તેમની હારનું કારણ સમજવું જોઈએ, કારણ કે SIR પ્રક્રિયા તો 2024 પછી જ શરૂ થઈ હતી. તેમણે અત્યારે જ આગાહી કરી કે 2029માં પણ કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડશે.