કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે (સોમવાર, 9 નવેમ્બર) તેમના મતવિસ્તાર ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અમદાવાદ ખાતે રૂ. 1,024 કરોડના 30 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે આવાસ યોજના હેઠળના મકાનોનો ડ્રો પણ યોજાશે, જેમાં 9 હજારથી વધુ પરિવારોને પાકા મકાન મળશે.
સવારે 10:30 વાગ્યે એસ.જી. હાઇવે પર ઇસ્કોનથી સાણંદ ક્રોસ રોડ સુધીના 4.03 કિલોમીટર લાંબા નવનિર્મિત એલિવેટેડ કોરિડોર (ફ્લાયઓવર બ્રિજ)નું ઉદ્ઘાટન કરાશે. ત્યારબાદ જોધપુર ખાતે નવનિર્મિત ‘નોલેજ હબ’ અને ગોતા ખાતે અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. વાડજમાં રામાપીરના ટેકરા પર આવાસ યોજનાના મકાનોની મુલાકાત લેશે. આ કાર્યક્રમો બાદ રાણીપ ડી-માર્ટ સામેના પ્લોટમાં આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરશે અને જાહેર સભાને સંબોધશે.
આ કોરિડોરની વિશેષતા તેની ‘ઊંધો ટી’ ડિઝાઇન છે. આખો બ્રિજ સિંગલ પિલરો પર ઊભો કરાયો છે, જેના કારણે બ્રિજ નીચે બંને બાજુનો રસ્તો ખુલ્લો અને પહોળો રહેશે. કોરિડોર ખુલ્લો મુકાતાં રોજ અહીંથી પસાર થતા 1.5 થી 2 લાખ વાહનચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. ખાસ કરીને વાયએમસીએ, પ્રહલાદનગર અને કર્ણાવતી ક્લબ જંક્શન પર વાહનચાલકોને લાંબા સમય સુધી ઊભા રહેવાની ફરજ પડશે નહીં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલું ‘નોલેજ હબ’ સ્પર્ધાત્મક પરીક્ષાઓ (જેમ કે GPSC, UPSC)ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થશે. અહીં તેમને SPIPA જેવી ઉચ્ચ સ્તરીય કોચિંગ અને લાઇબ્રેરી સુવિધાઓ મળશે.
સામાન્ય ફ્લાયઓવરની ઊંચાઈ 7.5 મીટર હોય છે, પરંતુ ‘ઊંધો ટી’ ડિઝાઇનને કારણે આ કોરિડોરની ઊંચાઈ 5.5 મીટર રાખવામાં આવી છે. ઊંચાઈ 2 મીટર ઘટાડવાથી બાંધકામ ખર્ચમાં પણ ઘટાડો થયો છે. આ કોરિડોરને અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી સજ્જ કરાશે, જેમાં ઓવરસ્પીડ વાહનોને મેમો મોકલવા અને ઇમરજન્સી સેવાઓ માટે અલગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થશે.
અમદાવાદ શહેરની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતી રામાપીરના ટેકરાના 1,400 મકાનો સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં તૈયાર કરાયેલા 7,825 આવાસ મળી કુલ 9 હજારથી વધુ મકાનોનો ડ્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે 33 હજારથી વધુ મકાનો તૈયાર થઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 11 સ્થળે બની રહેલા 7,825 મકાનો માટે 97,066 અરજીઓ આવી છે. 28 ચોરસ મીટર કાર્પેટ એરિયાના મકાન ફાળવવામાં આવશે. રામાપીરના ટેકરા પર સેક્ટર-5માં તૈયાર કરાયેલા 1,400 મકાનો અને 16 દુકાનો તથા સેક્ટર-1માં તૈયાર થયેલા 700 આવાસનું લોકાર્પણ અને ડ્રો કરાશે.
હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ઈડબલ્યુએસ આવાસ યોજના કમિટીના ચેરમેન દર્શન શાહે જણાવ્યું કે, ઝૂંપડપટ્ટીઓ દૂર કરી તેના સ્થાને મકાન આપવામાં આવી રહ્યા છે. અત્યારે 18,470 મકાન તૈયાર થઈ રહ્યા છે. શહેરની સુંદરતામાં વધારો થાય અને ઝૂંપડપટ્ટીના રહીશોને પાકા મકાન મળે તે માટે આ યોજના અમલી છે.
11 સાઇટ પર તૈયાર થયેલા 7,825 મકાનો માટે આવેલી 97,066 અરજીઓમાંથી 7,825 લોકોને મકાન ફાળવાશે. જેટલા મકાનો છે તેના 50 ટકા લેખે 3,912 અરજીઓ પ્રતીક્ષાયાદીમાં રખાશે. કોઈ લાભાર્થી યોગ્ય પુરાવા રજૂ ન કરી શકે અથવા પૈસા ન ભરી શકે તો પ્રતીક્ષાયાદીમાં રહેલા લાભાર્થીને મકાન ફાળવવામાં આવશે.