સત્ય. સાહસ. સંકલ્પ.

IPL 2027: અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સના સ્પિન બોલિંગ કોચ બન્યા, જે ટીમ માટે 10 સીઝન રમ્યા તે જ ટીમમાં પરત

IPL 2027: અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સના સ્પિન બોલિંગ કોચ બન્યા, જે ટીમ માટે 10 સીઝન રમ્યા તે જ ટીમમાં પરત

દિલ્હી કેપિટલ્સે IPL 2027 માટે પૂર્વ ભારતીય સ્પિનર અમિત મિશ્રાને સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. આ નિમણૂક સાથે ટીમના કોચિંગ સ્ટાફમાં વધુ એક અનુભવી નામ જોડાયું છે. અગાઉ સૌરવ ગાંગુલીને મુખ્ય કોચ અને યુવરાજ સિંહને સહાયક તથા બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. હવે સ્પિન વિભાગની જવાબદારી અમિત મિશ્રાને સોંપવામાં આવી છે.

અમિત મિશ્રાએ 2008માં દિલ્હી ડેરડેવિલ્સ (હાલ દિલ્હી કેપિટલ્સ) સાથે IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે અન્ય ટીમો માટે પણ રમ્યો હતો. 2015માં ટીમ સાથે ફરી જોડાયા બાદ તે 2021 સુધી સતત દિલ્હી ડેરડેવિલ્સ સાથે રહ્યો હતો. તેણે દિલ્હી ફ્રેન્ચાઇઝી માટે કુલ 10 સીઝન રમી હતી.

2023માં અમિત મિશ્રા લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયો હતો અને 2024માં પોતાની છેલ્લી IPL સીઝન રમી હતી. હવે તે દિલ્હી સાથે નવી ભૂમિકામાં જોવા મળશે.

IPL કારકિર્દીમાં અમિત મિશ્રાએ 162 મેચ રમીને કુલ 174 વિકેટ ઝડપી છે. તે IPLમાં ત્રણ હેટ્રિક લેનારા એકમાત્ર બોલર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે ભારત માટે 22 ટેસ્ટ, 36 વનડે અને 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ ત્રણેય ફોર્મેટમાં તેમણે અનુક્રમે 76, 64 અને 16 વિકેટ ઝડપી છે.

દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી IPLનું ટાઇટલ જીતી શકી નથી. હવે ગાંગુલી, યુવરાજ અને અમિત મિશ્રા જેવા અનુભવી ખેલાડીઓના માર્ગદર્શન હેઠળ ટીમ 2027માં પ્રથમ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.