અમેરિકામાં અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં 67 વર્ષના મુસાફરે હંગામો મચાવ્યો હતો. આરોપ છે કે તેણે સહ મુસાફરો અને ક્રૂ સામે અપમાનજનક ટિપ્પણીઓ કરી, હુમલો કર્યો અને મહિલાને ધક્કો માર્યો. પરિસ્થિતિ વણસતાં ત્રણ મુસાફરોએ તેને કાબૂમાં લઈ ડક્ટ ટેપ અને ઝિપ ટાઈ વડે સીટ સાથે બાંધી દીધો. ફ્લાઇટને બાલ્ટીમોર ડાયવર્ટ કરવી પડી.
આ ઘટના 3 સપ્ટેમ્બરની રાત્રે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 618માં બની હતી, જે ડલ્લાસ-ફોર્ટ વર્થથી નેવાર્ક જઈ રહી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં મુસાફર ટેપથી બાંધેલો દેખાય છે.
ઉડાનના બે કલાક પછી મુસાફર અચાનક બૂમો પાડવા લાગ્યો, જીસસ અને નરકની વાતો કરવા લાગ્યો. ફ્લાઇટ એટેન્ડન્ટે શાંત કરાવવાનો પ્રયાસ કર્યો પણ તે વધુ આક્રમક બન્યો. આરોપ છે કે તેણે એક અશ્વેત ફ્લાઇટ એટેન્ડન્ટ સામે જાતિવાદી અપશબ્દો બોલ્યો અને સમલૈંગિકો વિશે પણ વાંધાજનક ટિપ્પણી કરી.
આરોપી હિંસક બનતાં ત્રણ પુરુષ મુસાફરો આગળ આવ્યા. તેમાં નિવૃત્ત અધિકારી જુઆન મેજિયા પણ સામેલ હતા. મેજિયાએ જણાવ્યું કે થોડી સેકન્ડમાં વાતાવરણ બદલાઈ ગયું; મુસાફર બૂમો પાડવા અને મારપીટ કરવા લાગ્યો. રોકવાના પ્રયાસમાં તેણે મેજિયાના હાથ પર બટકું ભર્યું. ક્રૂએ ડક્ટ ટેપ અને ઝિપ ટાઈ આપી, જે વડે મુસાફરને સીટ સાથે બાંધી દેવાયો.
આરોપી છૂટવાનો પ્રયાસ કરતો રહ્યો. તેના હાથ-પગ અને માથું સીટ સાથે બાંધી દેવાયું. વીડિયોમાં તેના હાથ પર ઈજાના નિશાન દેખાય છે.
ફ્લાઇટ બાલ્ટીમોર-વોશિંગ્ટન ઇન્ટરનેશનલ થર્ગુડ માર્શલ એરપોર્ટ પર ઉતારવામાં આવી. મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી પોલીસે આરોપીની અટકાયત કરી. ઓળખ આર્થર લેન લુન્ડિન (67) તરીકે થઈ. તે એરિઝોનાના ટક્સનનો રહેવાસી છે. તેના પર સેકન્ડ-ડિગ્રી એસોલ્ટ અને ડિસઓર્ડરલી કન્ડક્ટના આરોપ છે. હાથમાં ખુલ્લો ઘા હતો; પેરામેડિક્સે સારવાર આપી અને મુસાફરી માટે સુરક્ષિત જાહેર કર્યો.
પોલીસ ઉપરાંત FBI અને FAA પણ તપાસ કરી રહ્યાં છે. કોર્ટે જામીન મંજૂર કર્યા; આગામી સુનાવણી 19 ઓક્ટોબરે છે.
લુન્ડિન રિયલ એસ્ટેટ કંપની લોંગ રિયાલિટીમાં કામ કરતો હતો, પણ ઘટના બાદ નોકરી પરથી કાઢી મૂકાયો. અમેરિકન એરલાઇન્સે જણાવ્યું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા પ્રાથમિકતા છે. ફ્લાઇટ નેવાર્ક માટે રવાના થઈ.