સત્ય. સાહસ. સંકલ્પ.

AMCની સમીક્ષા બેઠકમાં કચરો યુનિટની સંખ્યા પર વિરોધાભાસી આંકડા, કમિશનરે માંગી સ્પષ્ટતા

AMCની સમીક્ષા બેઠકમાં કચરો યુનિટની સંખ્યા પર વિરોધાભાસી આંકડા, કમિશનરે માંગી સ્પષ્ટતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સમીક્ષા બેઠકમાં 100 કિલોથી વધુ કચરો પેદા કરતા એકમોની નોંધણી અંગે અધિકારીઓના આંકડામાં મોટો તફાવત સામે આવ્યો હતો. પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરે અમદાવાદમાં આવી લગભગ 70 હોટેલ-રેસ્ટોરન્ટ હોવાનું જણાવ્યું હતું, જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીએ આ આંકડો આશરે 5,000 હોવાનું કહ્યું હતું. બંને આંકડા વચ્ચેનો આ મોટો તફાવત જોતાં કમિશનરે અધિકારીઓ પાસે સ્પષ્ટતા માંગી હતી.

સમીક્ષા દરમિયાન 100 કિલોથી વધુ કચરો પેદા કરતા એકમોની નોંધણી અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન પશ્ચિમ ઝોનના ડેપ્યુટી કમિશનરે આવી 70 હોટેલ-રેસ્ટોરન્ટ હોવાનું જણાવ્યું હતું. જોકે, આ જ મુદ્દે આરોગ્ય વિભાગના અધિકારીએ સંખ્યા આશરે 5 હજાર હોવાનું જણાવતાં બેઠકમાં જ બંને આંકડા વચ્ચે મોટો તફાવત સામે આવ્યો હતો. એક તરફ 70 અને બીજી તરફ 5 હજારનો આંકડો આવતાં સમીક્ષા બેઠકમાં અધિકારીઓ પાસે માહિતીની ચોકસાઈ અંગે સવાલો ઉઠ્યા હતા.

આંકડામાં તફાવત સામે આવ્યા બાદ કમિશનરે અધિકારીઓને યોગ્ય વિગતો ચકાસીને રજૂ કરવા ટકોર કરી હતી. 100 કિલોથી વધુ કચરો પેદા કરતા એકમોની નોંધણી અને તેની કામગીરી અંગે કોર્પોરેશન પાસે એકસરખો અને ચોક્કસ ડેટા હોવો જરૂરી છે, ત્યારે બે અલગ આંકડા સામે આવતાં અધિકારીઓને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

સમીક્ષા બેઠકમાં માત્ર કચરાના આંકડાનો મુદ્દો જ નહીં, પરંતુ પશ્ચિમ ઝોનની અન્ય કામગીરી અંગે પણ કમિશનરે સવાલો કર્યા હતા. જાહેર શૌચાલયોની સંખ્યા, તેની સફાઈ અને રિપેરિંગ કરતી એજન્સીઓ તેમજ કેટલા વિસ્તારમાં કેટલા શૌચાલય હોવા જોઈએ તે અંગે પણ વિગતો માગવામાં આવી હતી. આ મામલે સર્વે કરીને રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓની લાંબી ગેરહાજરી અંગે પણ કાર્યવાહી ઝડપી બનાવવા જણાવાયું હતું.

બીજી તરફ, દબાણ સામેની કામગીરીમાં પેનલ્ટીની રકમ ઓછી હોવા અંગે તેમજ 15 કિમીના ટીપી રોડ ખોલવાના ટાર્ગેટ સામે માત્ર 500 મીટર કામગીરી થઈ હોવા અંગે પણ ટકોર કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન પાર્કિંગ ફીના નવા સ્ટાન્ડર્ડ, વોટર લોગિંગના સ્પોટ, જીઆઈએસ મેપિંગ વગર પેમેન્ટ નહીં કરવા તેમજ પ્રદૂષિત પાણીના આઉટફ્લો જેવા મુદ્દાઓની પણ ચર્ચા થઈ હતી.