સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી 14,763 કરોડ રૂપિયા ખર્ચાયા વિના રહી ગયા, વિપક્ષનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી 14,763 કરોડ રૂપિયા ખર્ચાયા વિના રહી ગયા, વિપક્ષનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વર્ષ 2013-14 થી 2022-23 દરમિયાન કુલ 70,132 કરોડ રૂપિયાનું બજેટ હતું, પરંતુ તેમાંથી 55,369 કરોડ રૂપિયાનો જ ખર્ચ થયો હતો. 14,763 કરોડ રૂપિયાની રકમ ખર્ચાયા વિના રહી ગઈ હોવાનો આક્ષેપ પૂર્વ વિપક્ષી નેતા શેહજાદખાને બજેટ ચર્ચા દરમિયાન કર્યો હતો.

શેહજાદખાનના જણાવ્યા અનુસાર, આ વણવપરાયેલી રકમને કારણે શહેરની પાયાની સમસ્યાઓ યથાવત્ છે. પાણી, ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ અને રસ્તા જેવી સમસ્યાઓનો ઉકેલ આવી શક્યો નથી, જેનાથી શહેરના વિકાસને અસર થઈ છે.

અમદાવાદમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું પૂરતું નેટવર્ક હજુ સુધી વિકસાવવામાં આવ્યું નથી. પરિણામે દર ચોમાસે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. મુખ્ય માર્ગોથી લઈને આંતરિક રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડે છે.

વિપક્ષનો દાવો છે કે વર્ષોથી બજેટમાં જોગવાઈ થવા છતાં આ ક્ષેત્રે જરૂરી કામગીરી પૂરતી ઝડપથી થઈ નથી. બિસ્માર રસ્તા, ટ્રાફિકજામ, ડ્રેનેજ, કચરાનો નિકાલ અને રોગચાળા જેવા પ્રશ્નો હજુ પણ શહેરમાં યથાવત્ છે. આ ઉપરાંત સાબરમતી નદીનું પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને પીરાણા ડમ્પ સાઇટ ખાલી કરવાની કામગીરી પણ ચર્ચામાં રહી છે.

AMC દ્વારા સમયાંતરે કરોડો રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ હાથ ધરાય છે અને માળખાકીય સુવિધાઓ માટે મોટી રકમ ફાળવવામાં આવે છે, તેમ છતાં શહેરના ઘણા વિસ્તારોમાં પૂરતી કામગીરી થઈ નથી.