અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટ્રીટ લાઇટના 398.40 કરોડ રૂપિયાના નવા ટેન્ડરને લઈને વિવાદ ઊભો થયો છે. આ ટેન્ડર બહાર પડ્યાના માત્ર 11 દિવસ પહેલા, કોન્ટ્રાક્ટ છોડીને જતી રહેલી સિટાલુમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટ પોણા બે વર્ષ સુધી અટકાવી રાખવામાં આવ્યું હતું, અને પછી અચાનક તેને ઇશ્યૂ કરવામાં આવ્યું.
સિટાલુમ કંપનીનો સ્ટ્રીટ લાઇટની કામગીરી અને જાળવણીનો કોન્ટ્રાક્ટ 9 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થયો હતો. કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ કંપનીએ આગળ કામગીરી ચાલુ રાખવાનો ઇનકાર કર્યો હતો અને અમદાવાદની સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થામાંથી નીકળી ગઈ હતી. ત્યારબાદ કોર્પોરેશનને સબ-કોન્ટ્રાક્ટરો મારફતે કામચલાઉ વ્યવસ્થા ઊભી કરવી પડી હતી. શહેરમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ અને ફરિયાદો પણ સામે આવતી રહી હતી.
સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ સંબંધિત કામગીરીની ચકાસણી અને જરૂરી પ્રક્રિયા કરીને કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. પરંતુ સિટાલુમના કિસ્સામાં કોન્ટ્રાક્ટ પૂરો થયાના મહિનાઓ સુધી આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું નહોતું. પોણા બે વર્ષ સુધી સર્ટિફિકેટ ઇશ્યૂ ન થયું અને પછી 5 ઓક્ટોબર, 2026ના રોજ અચાનક સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આ ઘટનાના માત્ર 11 દિવસ બાદ 16 ઓક્ટોબરે 398.40 કરોડ રૂપિયાનું નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું.
આ સમયગાળો સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ ઊભો કરે છે. જો કંપનીએ જાન્યુઆરી 2025માં જ કામગીરી પૂર્ણ કરી હતી તો કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આટલો વિલંબ કેમ થયો? શું આટલા સમય સુધી કંપનીની કામગીરી પૂર્ણ થઈ હોવાનું પ્રમાણિત કરી શકાય તેમ નહોતું? અને જો તમામ કામગીરી પૂર્ણ હતી તો નવા ટેન્ડરના ગણતરીના દિવસો પહેલાં જ સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાની જરૂર કેમ પડી?
આ મામલામાં માત્ર સર્ટિફિકેટ ઇશ્યૂ કરવાની તારીખ જ નહીં, પરંતુ તેને આપવાની પ્રક્રિયા પણ વિવાદાસ્પદ બની છે. ટેન્ડરની શરતો મુજબ હેન્ડઓવર-ટેકઓવરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ કમ્પ્લિશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. જ્યારે સિટાલુમ કંપની દ્વારા કોર્પોરેશન સાથે આ પ્રક્રિયા હજી સુધી પૂર્ણ કરવામાં આવી ન હોવાની વિગતો સામે આવી છે. આમ, હેન્ડઓવર-ટેકઓવર બાકી હોવા છતાં સર્ટિફિકેટ કેવી રીતે ઇશ્યૂ થયું? કોન્ટ્રાક્ટ પૂરો થયાના પોણા બે વર્ષ સુધી સર્ટિફિકેટ અટકાવી રાખીને નવા ટેન્ડરના માત્ર 11 દિવસ પહેલાં જ આપવાની ઉતાવળ કેમ કરવામાં આવી? અને સૌથી મહત્ત્વનું, આ સર્ટિફિકેટના આધારે સિટાલુમ કંપની ફરીથી 398.40 કરોડ રૂપિયાના ટેન્ડરમાં લાયકાત મેળવી શકે તે માટે જ આ સમગ્ર કવાયત કરવામાં આવી હતી?
આ સર્ટિફિકેટ સ્ટ્રીટ લાઇટ વિભાગના ડેપ્યુટી એન્જિનિયરોએ સહી કરીને આપ્યું છે, પરંતુ તેમાં એડિશનલ સિટી એન્જિનિયરની સહી જ નથી. આ બાબત અધિકારીઓની મિલીભગત તરફ ઇશારો કરે છે. આ મામલે AMC તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.