સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: AMCમાં 20 મહિનાથી નવા SORનો અમલ નહીં, જૂના દરે ટેન્ડર પ્રક્રિયા

અમદાવાદ: AMCમાં 20 મહિનાથી નવા SORનો અમલ નહીં, જૂના દરે ટેન્ડર પ્રક્રિયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ટેન્ડર પ્રક્રિયામાં જૂના શેડ્યૂલ ઓફ રેટ્સ (SOR)ના આધારે અંદાજ તૈયાર થતા હોવાનો મુદ્દો ઉઠ્યો છે. રોડ અને બિલ્ડિંગ કમિટીના ચેરમેને કમિશનરને પત્ર લખીને રાજ્ય સરકારે 13 જાન્યુઆરી 2025ના રોજ મંજૂર કરેલા નવા 2024-25 SORનો તાત્કાલિક અમલ કરવાની માંગ કરી છે.

રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગે અમદાવાદ માટે 2024-25નું SOR તૈયાર કરીને 13 જાન્યુઆરી 2025ના રોજ મંજૂર કર્યું હતું. પરંતુ મંજૂરીને 20 મહિના વીતી ગયા છતાં કોર્પોરેશનમાં નવા SORનો અમલ થયો નથી. હજુ પણ 2023-24 અને તેનાથી જૂના SORના આધારે અંદાજ બનાવીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

કમિટી ચેરમેને પત્રમાં જણાવ્યું છે કે જૂના SOR પ્રમાણેના અંદાજ અને કોન્ટ્રાક્ટરો ભરતા ભાવ વચ્ચે મોટો તફાવત હોય ત્યારે ભાવનું વાજબીપણું સમજાવવું મુશ્કેલ બને છે. ટેન્ડર મંજૂર કરતી વખતે પણ નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. તેથી નવા SORનો તાત્કાલિક અમલ કરવો જોઈએ અને ચાલુ કામોના અંદાજ પણ નવા SOR મુજબ બનાવવા જોઈએ.

મહત્ત્વનું છે કે કેટલાક કામોના અંદાજ 2023-24 કરતાં પણ જૂના SOR પરથી લેવાય છે. જૂના SORમાં કેટલાક કામોના ભાવમાં GST સામેલ હોય છે, જ્યારે નવા SORમાં GST સહિતનો ભાવ દર્શાવાયો નથી. આ તફાવતને કારણે ટેન્ડરની કિંમત અને વાસ્તવિક ખર્ચની ગણતરીમાં અસ્પષ્ટતા થાય છે.

વધુ ચિંતાની બાબત એ છે કે જૂના SORમાં GST સામેલ હોવા છતાં કેટલીક કામગીરીમાં GST અલગથી ચૂકવાયો હોવાની માહિતી સામે આવી છે. એક જ ખર્ચમાં GST સમાયેલો હોય તો ફરી GST ચૂકવવાથી કોર્પોરેશન પર વધારાનો આર્થિક બોજ પડે છે. કમિટી ચેરમેને અધિકારીઓને GSTની રકમ અલગ દર્શાવીને જ દરખાસ્ત કમિટી સમક્ષ મૂકવા અને શક્ય હોય ત્યાં નવા SOR મુજબ ટેન્ડર કરવા તાકીદ કરી છે.

એક તરફ નવા SORથી ટેન્ડર કરવાની સૂચના અપાય છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર 2024-25નો નવો SOR ઉપલબ્ધ નથી. રાજ્ય સરકારે 13 જાન્યુઆરી 2025ના રોજ મંજૂરી આપી હોવા છતાં વેબસાઇટ પર ન હોવાથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને મુશ્કેલી પડે છે.