સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ફરસાણનું વપરાયેલું કાળું તેલ ઢાબા અને પાણીપુરીવાળાને વેચાતું હોવાની આશંકા, AMCએ 4 એકમો સીલ કર્યા

અમદાવાદ: ફરસાણનું વપરાયેલું કાળું તેલ ઢાબા અને પાણીપુરીવાળાને વેચાતું હોવાની આશંકા, AMCએ 4 એકમો સીલ કર્યા

અમદાવાદમાં દિવાળી પહેલાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં થયાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ ફૂડ વિભાગે દુધેશ્વર અને ગાંધી રોડ પરથી ચાર મોટા ફરસાણ ઉત્પાદક એકમોને સીલ કર્યા છે. આ એકમોમાં ફરસાણ તળ્યા બાદ વપરાયેલું કાળું તેલ માન્ય એજન્સીને આપવાને બદલે સ્ક્રેપ વેપારીઓ, સાબુ બનાવનારાઓ અને ઢાબા-પાણીપુરીવાળાઓને વેચાતું હોવાની આશંકા છે.

ફૂડ વિભાગના વડાના જણાવ્યા મુજબ, દરરોજ 50 લિટર કે તેથી વધુ તેલ વાપરતા એકમોમાં 5થી 7 લિટર તેલ તળાઈને કાળું પડે છે. નિયમ મુજબ આ વપરાયેલા તેલ (RUCO)નો નિકાલ ફક્ત ભારત સરકારે માન્યતા આપેલી એજન્સી દ્વારા જ થવો જોઈએ. પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે કેટલાક વેપારીઓ આ તેલ સ્ક્રેપ વેપારીઓ, સાબુ બનાવનારાઓ અને હાઈવેના ઢાબાવાળાઓને ચૂપચાપ વેચી દે છે.

આ તેલ ફરી ખાદ્ય પદાર્થોમાં વપરાય તો લોકોને કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહે છે.

AMCએ જે ચાર એકમો સીલ કર્યા છે તે આ પ્રમાણે છે:

1. સ્વસ્તિક ફૂડ્સ (દુધેશ્વર રોડ): તેલના નિકાલ માટે કોઈ કરાર નહોતો. કારીગરો માસ્ક, ગ્લોવ્સ કે કેપ વગર ગંદકીમાં કામ કરતા જોવા મળ્યા હતા.

2. શ્યામ સુંદર ફૂડ પ્રોડક્ટ્સ (તાવડીપુરા, દુધેશ્વર): પેકેજિંગ-લેબલિંગમાં ખામી અને FSSAIની સ્વચ્છતા માર્ગદર્શિકાનો ભંગ થતો હતો.

3. પ્રકાશકુમાર કનૈયાલાલ (ગાંધી રોડ): ઉત્પાદન અને સંગ્રહમાં ગંભીર ગંદકી અને માન્ય એજન્સી વગર તેલનો નિકાલ કરાતો હતો.

4. અમરતલાલ કુબેરદાસ નમકીનવાલા (ગાંધી રોડ): આરોગ્યપ્રદ વાતાવરણનો અભાવ અને વપરાયેલા તેલના નિકાલ અંગે કરાર ન હોવાથી સીલ કરાઈ.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ એકમો માન્ય એજન્સી સાથે કરાર નહીં કરે અને સ્વચ્છતાની બાંહેધરી નહીં આપે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં.