અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર ફરી નોકરીમાં રાખવાના મુદ્દે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ આરોપ લગાવ્યા છે. કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે, RTI દ્વારા મળેલી માહિતી મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં AMCમાં 210થી વધુ નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. 2015માં નિવૃત્ત થયેલા કેટલાક અધિકારીઓ હજુ પણ 2026માં સેવા આપી રહ્યા છે. કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, રાજ્યભરમાં 10 હજારથી વધુ નિવૃત્તોને સરકારી સંસ્થાઓમાં ગોઠવીને 'પે માઇનસ પેન્શન' અથવા ફિક્સ પગાર ઉપરાંત સરકારી બંગલો અને વાહન જેવી સુવિધાઓ આપવામાં આવે છે. છેલ્લા 10 વર્ષમાં આવા કોન્ટ્રાક્ટ લંબાવવા પાછળ 200 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે.
કૉંગ્રેસે આ પ્રથા તાત્કાલિક બંધ કરવા, નાણાકીય ખર્ચ અંગે શ્વેતપત્ર જાહેર કરવા અને યુવાનો માટે કાયમી ભરતી શરૂ કરવાની માગ કરી છે.
જવાબમાં, AMCના મેયર હિતેશભાઈ બારોટે સ્પષ્ટતા કરી છે કે, AMCમાં હાલ 24090 કર્મચારીઓ છે, જેમાંથી માત્ર 65 જ કોન્ટ્રાક્ટ પર કાર્યરત છે, જે કુલ સ્ટાફના 0.26 ટકા છે. તેમણે કહ્યું કે, પ્રશાસનમાં લેખિત અને મૌખિક પરીક્ષા દ્વારા જ કાયમી ભરતી કરવામાં આવે છે, પરંતુ કેટલાક વિભાગોમાં ખાલી જગ્યાઓ ન ભરાતાં કામગીરી ન ખોરવાય તે માટે કામચલાઉ ધોરણે અનુભવી નિવૃત્ત અધિકારીઓની સેવા લેવાઈ છે. વર્ષ 2024-25માં 84 અને 2025-26માં 70 નિવૃત્તોને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, કાયમી ભરતી થતાં જ આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને છૂટા કરવામાં આવશે અને આગામી દિવસોમાં ફાયર, એસ્ટેટ અને ગાર્ડન વિભાગમાં નવી ભરતી થશે.
આ મુદ્દે અન્ય ઉદાહરણો પણ સામે આવ્યા છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર રહી ચૂકેલા હેમંત કુમાર કોશિયાને સરકારે 2019માં નિવૃત્ત કર્યા પછી પણ સળંગ 6 વખત એક્સટેન્શન આપ્યું હતું, અને છેવટે 2025ના સપ્ટેમ્બરમાં તેમને નિવૃત્ત કરાયા. વિજીલન્સ વિભાગમાં ડાયરેક્ટર હિના ભાથાવાલાને 31 મે 2026ના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 1 જૂન 2026થી 6 મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ભાથાવાલાએ સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ફરિયાદ પર કાર્યવાહી ન કરી, જે પાછળથી ACBએ 36,000 રૂપિયાની લાંચ સાથે ઝડપ્યો હતો.