સત્ય. સાહસ. સંકલ્પ.

AMCની મકતમપુરા જિમ-લાઇબ્રેરીનું સંચાલન AIMIM શહેર પ્રમુખને સોંપાયું, રાજકીય ચર્ચા શરૂ

AMCની મકતમપુરા જિમ-લાઇબ્રેરીનું સંચાલન AIMIM શહેર પ્રમુખને સોંપાયું, રાજકીય ચર્ચા શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીએ મકતમપુરા વોર્ડમાં નવનિર્મિત જિમ્નેશિયમ અને લાઇબ્રેરીનું સંચાલન AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ એજાઝ ખાન હમીદખાન પઠાણને સોંપવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ સુવિધાઓ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ વાર્ષિક 6.01 લાખ રૂપિયાના ભાડે પાંચ વર્ષ માટે આપવામાં આવશે. પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ કામગીરીની સમીક્ષા કરીને વધુ ત્રણ વર્ષ માટે સમયગાળો લંબાવવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

આ નિર્ણય રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે જિમ્નેશિયમ અને લાઇબ્રેરીના સંચાલન માટે પસંદ થયેલા એજાઝ ખાન પઠાણ AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ છે અને તેઓ અગાઉ મકતમપુરા વોર્ડમાંથી ચૂંટણી પણ લડી ચૂક્યા છે. જાહેર મંચો પર ભાજપ અને AIMIM એકબીજા સામે આક્રમક નિવેદનો કરતા રહે છે, ત્યારે AMCની કમિટીમાં AIMIMના શહેર પ્રમુખને આ સુવિધાઓના સંચાલનની દરખાસ્ત મંજૂર થતાં સ્થાનિક રાજકારણમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.

રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીના ચેરમેને ટેન્ડર પ્રક્રિયાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારે કોઈ એજન્સી આગળ આવી ન હતી. ત્યારબાદ બીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં એકમાત્ર ટેન્ડર ભરનાર બીડર ટેક્નિકલ રીતે ક્વોલિફાય થયો હતો.

બીજી તરફ, AIMIMના શહેર પ્રમુખ એજાઝ ખાન હમીદખાન પઠાણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, 'મેં જ્યારે ટેન્ડર ભર્યું હતું ત્યારે હું પક્ષના કોઈ હોદ્દા પર ન હતો. આ ટેન્ડરને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. અગાઉ હું જિમ ચલાવતો હતો અને તેના ટેક્સ પણ ભર્યા છે. કોરોનાના સમયમાં જિમ બંધ કરવું પડ્યું હતું. હાલમાં પણ હું જિમમાં પર્સનલ ટ્રેનર તરીકે લોકોને તાલીમ આપું છું.'

મહત્ત્વનું છે કે, મકતમપુરા વોર્ડમાં જિમ્નેશિયમ અને લાઇબ્રેરીનું બાંધકામ અંદાજે 6થી 7 મહિના પહેલાં જ પૂર્ણ થઈ ગયું હતું. જો કે, પ્રથમ ટેન્ડર પ્રક્રિયામાં કોઈ એજન્સી ન મળતાં આ સુવિધાઓ શરૂ કરવામાં વિલંબ થયો હતો. બીજી ટેન્ડર પ્રક્રિયામાં એકમાત્ર બીડર ટેક્નિકલ રીતે ક્વોલિફાય થતાં હવે આ બંને સુવિધાઓના સંચાલનનો માર્ગ મોકળો થયો છે.