સત્ય. સાહસ. સંકલ્પ.

AMCની જ પાણીની બોટલો પર FSSAI લોગો નથી, કાંકરિયાના ગરબામાં ખુલ્લું વેચાણ

AMCની જ પાણીની બોટલો પર FSSAI લોગો નથી, કાંકરિયાના ગરબામાં ખુલ્લું વેચાણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પોતે જ ખાદ્ય સુરક્ષા નિયમોના ભંગનો ભાગ બન્યું હોવાનું સામે આવ્યું છે. કાંકરિયા ખાતે યોજાયેલા ગરબા કાર્યક્રમમાં AMC JAL બ્રાન્ડની પાણીની બોટલો ખુલ્લી રીતે વેચવામાં આવી, પરંતુ તે બોટલો પર ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક સત્તામંડળ (FSSAI)નો લોગો નહોતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગરબા કાર્યક્રમ દરમિયાન AMC JALની બોટલો વેચાણ માટે રાખવામાં આવી હતી, જેના પર FSSAIની માન્યતા દર્શાવતો લોગો ગેરહાજર હતો.

ખાદ્ય સુરક્ષા નિયમો અનુસાર, પેકેજ્ડ પીવાના પાણીની દરેક બોટલ પર FSSAI લાઇસન્સ નંબર અને લોગો હોવો ફરજિયાત છે. આ નિયમ ગ્રાહકોને ગુણવત્તા અને સુરક્ષાની ખાતરી આપવા માટે બનાવવામાં આવ્યો છે.

AMC JALનું સંચાલન હાલમાં સૃષ્ટિ લાઇફ સાયન્સિસ પ્રાઇવેટ લિમિટેડ કરી રહી હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે આરોગ્ય વિભાગ AMC JAL સામે કાર્યવાહી કરશે કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.

નિયમો લાગુ કરવાની જવાબદારી ધરાવતી સંસ્થા પોતે જ નિયમોનો ભંગ કરે તે ગંભીર બાબત છે. આ ઘટના ખાદ્ય સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉભા કરે છે.