અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ પર્યાવરણની જાળવણી અને વહીવટી ખર્ચ ઘટાડવાના હેતુથી નિર્ણય લીધો છે કે હવેથી સામાન્ય સભા સહિત તમામ કમિટીઓના એજન્ડા ડિજિટલ માધ્યમથી ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે. આ નવી વ્યવસ્થા નવેમ્બર મહિનાથી અમલમાં આવશે.
અત્યાર સુધી સામાન્ય સભા અને સ્ટેન્ડિંગ કમિટી સહિતની વિવિધ કમિટીઓના એજન્ડા કાગળ પર છાપીને કોર્પોરેટરો, કમિટીના સભ્યો અને સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવતા હતા. આ પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં કાગળનો ઉપયોગ થતો હતો અને પ્રિન્ટિંગ તથા વિતરણનો ખર્ચ પણ થતો હતો. હવે એજન્ડા ઓનલાઈન મોકલાશે, જેથી કાગળનો વપરાશ ઘટશે અને ખર્ચમાં પણ બચત થશે.
અમદાવાદના મેયરે જણાવ્યું હતું કે કાગળના ઉત્પાદન માટે વૃક્ષોનો ઉપયોગ થતો હોવાથી તેનો વપરાશ ઘટાડવો જરૂરી છે. આ દિશામાં કોર્પોરેશને વિવિધ કમિટીઓના એજન્ડા ડિજિટલ માધ્યમથી મોકલવાની વ્યવસ્થા કરી છે. જોકે, સામાન્ય સભાના એજન્ડા તમામ કોર્પોરેટરોના ઘરે મોકલવાની જોગવાઈ હોવાથી આ વ્યવસ્થામાં ફેરફાર કરવા માટે રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ જીપીએમસી (GPMC) એક્ટમાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે, જેના આધારે હવે સામાન્ય સભાના એજન્ડા પણ ડિજિટલ માધ્યમથી મોકલી શકાશે.
નવી વ્યવસ્થા હેઠળ કોર્પોરેટરોના ઘરે સામાન્ય સભાના એજન્ડાની પ્રિન્ટેડ નકલો મોકલવામાં આવશે નહીં. સામાન્ય સભા દરમિયાન દરેક કોર્પોરેટરના ટેબલ પર એજન્ડાની એક-એક નકલ મૂકવાની પ્રથા પણ બંધ કરવામાં આવશે. તેના બદલે તમામ કોર્પોરેટરો અને સંબંધિત અધિકારીઓને એજન્ડા ઈ-મેલથી મોકલવામાં આવશે.