અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની રિક્રિએશનલ, કલ્ચર અને હેરિટેજ કમિટીની બેઠક દોઢ મહિના બાદ શુક્રવારે (9 ઓક્ટોબર) મળી હતી. આ પહેલાં કમિટીની બેઠક 31 ઓગસ્ટે મળી હતી. 30 સપ્ટેમ્બરે બેઠક યોજાવાની હતી, પણ ભાજપના એક કાર્યક્રમના કારણે તે રદ કરવી પડી હતી.
લાંબા વિરામ બાદ મળેલી આ બેઠકમાં કુલ 11 કામો રજૂ થયાં હતાં. છતાં મહત્ત્વના કામોનો પૂરો અભ્યાસ ન થયો હોવાનું સામે આવ્યું છે. ગાર્ડન ડેવલપમેન્ટના કામમાં એક જ ટેન્ડર આવતાં એ દરખાસ્ત પરત કરવામાં આવી હતી. કિડ્સ સિટીને પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડલ પર વિકસાવવાના અને ટોય ટ્રેનના સંચાલન તથા મેન્ટેનન્સના કામ આગામી બેઠક સુધી મુલતવી રાખવામાં આવ્યા હતા. એટલે કે, દોઢ મહિના બાદ બેઠક મળી હોવા છતાં ત્રણ મહત્ત્વના કામો અંગે નિર્ણય થઈ શક્યો નહોતો.
કમિટીના ચેરમને જણાવ્યું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને કારણે ત્યાં જવાનું થતું હતું, જેથી આ કામોનો અભ્યાસ થઈ શક્યો નહોતો. હવે અભ્યાસ કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે. જોકે, બેઠક લાંબા સમય બાદ મળી હોવા છતાં મહત્ત્વના કામોનો અભ્યાસ અધૂરો રહેતાં આયોજન અને તૈયારી અંગે પ્રશ્નો ઊભા થાય છે.
મામૂલી કામો મંજૂર
બેઠકમાં સ્વિમિંગ પુલની આવક, જિમ્નેશિયમ, સ્કેટિંગ રિંક તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સભ્યોની સંખ્યા અને આવક, પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાતીઓની સંખ્યા તથા આવક, સર્કલને પીપીપી મોડલ પર વિકસાવવા અને મેનપાવર સપ્લાય કરતી એજન્સીને સમયવધારો આપવા સહિતનાં કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં.
કોન્ટ્રાક્ટ પૂરો થયો, તોય જૂની એજન્સીને 4 મહિનાનું વધુ એક્સટેન્શન
ગાર્ડન સુપરવાઇઝર સપ્લાય કરતી ડી. આર. એન્ટરપ્રાઇઝનો કોન્ટ્રાક્ટ મે 2026માં પૂરો થઈ ગયો હતો. તેમ છતાં ગાર્ડન વિભાગે નવા ટેન્ડર માટેની કામગીરી કરી નહોતી. શુક્રવારની બેઠક પહેલાં કમિટીની ચારથી પાંચ બેઠકો થઈ ચૂકી હોવા છતાં મેનપાવર સપ્લાયનું કામ રજૂ કરવામાં આવ્યું નહોતું. કોન્ટ્રાક્ટ પૂરો થયાના આશરે ચાર મહિના બાદ જૂની એજન્સીને વધુ ચાર મહિના માટે સમયવધારો આપવાની દરખાસ્ત મૂકવામાં આવી, જેને મંજૂરી મળી છે.
નવા ટેન્ડરની કામગીરી સમયસર ન થવા છતાં જૂની એજન્સીને ફરી સમયવધારો આપવામાં આવતાં વિભાગની કામગીરી અંગે પ્રશ્નો ઊભા થાય છે. આ અંગે ચેરમને જણાવ્યું કે ગાર્ડન વિભાગને ચાર મહિનાની અંદર ટેન્ડર તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.
ઝાડની ડાળીઓથી સ્ટ્રીટ લાઇટ ઢંકાતી હોવાની રજૂઆત
બેઠકમાં ઝાડની ડાળીઓ અને પાનને કારણે સ્ટ્રીટ લાઇટ ઢંકાઈ જવાથી રસ્તા પર પૂરતો પ્રકાશ ન મળતો હોવાનો મુદ્દો પણ ઊઠ્યો હતો. ચેરમને આ સમસ્યાના ઉકેલ માટે ઝાડનું ટ્રિમિંગ કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું. જોકે, પ્રિ-મોન્સૂન કામગીરી દરમિયાન પણ ટ્રિમિંગ થતું હોય છે, ત્યારે આટલા ટૂંકા ગાળામાં ડાળીઓ ફરી આટલી વધી ગઈ કે સ્ટ્રીટ લાઇટ ઢંકાઈ ગઈ, એવો પ્રશ્ન પણ ઊભો થયો હતો.
ગાર્ડનમાં સિક્યુરિટી ગાર્ડની ઉંમરનો મુદ્દો
બેઠકમાં ગાર્ડનમાં તહેનાત સિક્યુરિટી ગાર્ડની ઉંમરનો મુદ્દો પણ ચર્ચાયો હતો. ગાર્ડનમાં ઉંમરલાયક સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવતા હોવાની રજૂઆત સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો ઊભા થયા હતા. ગાર્ડનમાં આવતા નાગરિકોની સુરક્ષા જાળવવા માટે સિક્યુરિટી ગાર્ડની યોગ્ય પસંદગી અને તેમની તાલીમ જરૂરી હોવાનું બેઠકમાં નોંધવામાં આવ્યું હતું.