સત્ય. સાહસ. સંકલ્પ.

AMCની CCRS એપમાં ફરિયાદની મર્યાદા અને ટેકનિકલ ખામી, નાગરિકોમાં રોષ

AMCની CCRS એપમાં ફરિયાદની મર્યાદા અને ટેકનિકલ ખામી, નાગરિકોમાં રોષ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોની ફરિયાદોના નિરાકરણ માટે CCRS એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા લોકો રસ્તાના ખાડા, ગંદકી, રખડતાં ઢોર, પાણી ભરાવું, સ્ટ્રીટલાઇટ અને દબાણ જેવી સમસ્યાઓની ફરિયાદ કરી શકે છે. પરંતુ હવે આ એપ્લિકેશન સામે જ ફરિયાદો ઉઠી છે.

નાગરિકોનો આક્ષેપ છે કે નવા અપડેટ પછી એપમાં એક દિવસમાં 1થી 3 ફરિયાદ જ નોંધાય છે અને ત્યારબાદ નવી ફરિયાદ નોંધાતી નથી. આ ઉપરાંત, આઇફોનમાં 70 દિવસ પછી એપ ચાલુ થઈ છે.

અમદાવાદ સંસ્થાના ચેરમને જણાવ્યું કે, નવી અપડેટ કરાયેલી CCRS એપ્લિકેશનમાં કોઇપણ કેટેગરીમાં એક દિવસમાં ફરિયાદ કરવાની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. ક્યારેક એક ફરિયાદ પછી બીજી ફરિયાદ નોંધાતી નથી, તો ક્યારેક બે કે ત્રણ ફરિયાદ પછી મર્યાદા આવી જાય છે. અગાઉ એપમાં આવી કોઈ મર્યાદા નહોતી. નાગરિકો વિવિધ સમસ્યાઓ અંગે ફરિયાદ કરવા માગે ત્યારે આ મર્યાદાને કારણે મુશ્કેલી પડે છે. તેથી ફરિયાદની મર્યાદા દૂર કરવાની માંગ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, દાણાપીઠ ખાતેની કોર્પોરેશનની મુખ્ય કચેરીમાં કમિશનરની ઓફિસના શૌચાલયમાં નળ ખરાબ થયો હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. જોકે, તેનું નિરાકરણ આવ્યું નહીં અને તેના બદલે પંચનામું કરવામાં આવ્યું હતું. નાગરિકોની ફરિયાદોના નિકાલ માટેની એપમાં જ ફરિયાદોનો ઉકેલ ન આવતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.

અમદાવાદ સંસ્થાના જોઇન્ટ સેક્રેટરીએ જણાવ્યું કે, CCRS એપ છેલ્લા 70 દિવસથી આઇફોનમાં કામ કરતી ન હતી અને શુક્રવારે તે શરૂ થઈ છે. આ અંગે સોશિયલ મીડિયા અને ઈ-મેલ દ્વારા અનેક વિભાગોમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમણે નવા વાડજ રોડ પર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલની બાજુમાં રસ્તા પર પડેલા ખાડા અંગે એપ દ્વારા ફરિયાદ કરી હતી. જોકે, તેમની ફરિયાદ નવા વાડજ, બાપુનગર અને સ્ટેડિયમ વોર્ડમાં ફરતી રહી હતી. નવી એપમાં લોકેશન નાખતાં જ સંબંધિત વોર્ડ નક્કી થઈ જતો હોય તો ફરિયાદ ત્રણ અલગ વોર્ડમાં કેમ ફરે છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. આ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા અધિકારીઓએ ગંભીરતાથી કામ કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ મામલે જાગૃત નાગરિકોએ CPGRAMS પોર્ટલ, મુખ્યમંત્રી કાર્યાલય અને મેયર સમક્ષ રજૂઆત કરી છે. તેમ છતાં એપની સમસ્યાઓનું નિરાકરણ ન આવતાં નાગરિકોમાં અસંતોષ છે. એક તરફ નાગરિકોને ડિજિટલ સુવિધા આપવામાં આવી છે, તો બીજી તરફ એપમાં જ ફરિયાદની મર્યાદા અને ટેકનિકલ સમસ્યાઓ હોવાની રજૂઆત થઈ રહી છે.

ઓઢવના એક જાગૃત નાગરિકે જણાવ્યું કે, સિવિક સમસ્યાઓની ફરિયાદોનું નિરાકરણ કઈ રીતે લાવવું તેની ટ્રેનિંગ લેવી જરૂરી છે. જોકે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આ આક્ષેપો ફગાવ્યા છે.