અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરના નવા વિકસતા વિસ્તારોમાં 11 પ્લોટ વેચવાનું આયોજન કર્યું છે. આ પ્લોટમાંથી અંદાજે 1,550 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. પ્લોટ સોલા-થલતેજ, બોડકદેવ અને મોટેરા જેવા વિસ્તારોમાં આવેલા છે.
વેચાણ માટે કુલ 11 પ્લોટમાંથી 6 પ્લોટ શોપિંગ કોમ્પ્લેક્સ અને ઓફિસ માટે તેમજ 5 પ્લોટ ફ્લેટ અને બંગલોઝ બનાવવા માટે રાખવામાં આવ્યા છે. AMCએ આ પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટરના દર નક્કી કર્યા છે. સૌથી વધુ દર બોડકદેવમાં રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 3.10 લાખ રૂપિયા નક્કી કરાયો છે. સોલા, થલતેજ અને મોટેરા વિસ્તારોમાં પ્રતિ ચોરસ મીટર પોણા ત્રણ લાખ રૂપિયા સુધીનો દર રહેશે.
આ પહેલા AMCએ ગોતા, આંબલી અને જગતપુર વિસ્તારોમાં 9 પ્લોટ વેચીને 1,000 કરોડ રૂપિયાની કમાણી કરવાનું આયોજન કર્યું હતું. હવે વધુ 11 પ્લોટ વેચાણમાં મૂકતાં 15 દિવસમાં કુલ 2,550 કરોડ રૂપિયાના પ્લોટ વેચાશે.
શહેરમાં ભળી રહેલા આ વિસ્તારોમાં ડ્રેનેજ, સ્ટોર્મવોટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓ ક્યારે પહોંચશે તે પ્રશ્ન ઊભો થાય છે. તેમ છતાં, નવા વિકસતા વિસ્તારોમાં મિલકતોના વેચાણથી મ્યુનિસિપલની આવક વધી રહી છે.